Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
નવલી નવરાત્રિ
વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે. જેમાં ચૈત્રી તથા શારદીય નવરાત્રિનું અધિક મહત્ત્વ છે. લગભગ તમામ નર-નારી આ નવ દિવસ મન મૂકીને ગરબે ઘૂમે છે. આ નવ દિવસ સાધકો, ઉપાસકો ઉપાસનામાં સાધના ઉપાસનમાં તન્મય થઇ જતાં હોય છે. તેઓ અનુષ્ઠાનના રૂપમાં માની ભક્તિ કરીને સાધના કરતાં હોય છે. ઉપવાસ રાખે છે. હવન કરે છે
06/10/2018 00:10 AM Send-Mail
ભારતીય પરંપરા અનુસાર વર્ષ દરમ્યાન ચાર નવરાત્રિ આવે છે. આ ચારેય નવરાત્રિ દરમ્યાન માના ભક્તો એટલે કે શક્તિ આરાધકો તથા અન્ય ઉપાસકો નવરાત્રિને પોતાને સાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણીને પોતાની ઇચ્છિત સાધના કરતાં હોય છે. આ ચારેય નવરાત્રિ જોઇએ તો અનુક્રમે પોષમાં શાકંભરી, ચૈત્રમાં વાસંતી, ભાદરવામાં રામદેવપીરના નોરતા અને આસોમાં શારદીય નવરાત્રિ. આ તમામ નવરાત્રિમાં ચૈત્રી તથા શારદીય નવરાત્રિનું મહત્વ પુષ્કળ છે. લગભગ તમામ નર-નારી આ નવ દિવસ મન મૂકીને ગરબે ઘૂમે છે. આ નવ દિવસ સાધકો, ઉપાસકો પોતપોતાની સાધના ઉપાસનમાં તન્મય થઇ જતાં હોય છે. તેઓ અનુષ્ઠાનના રૂપમાં માની ભક્તિ કરીને સાધના કરતાં હોય છે. ઉપવાસ રાખે છે. હવન કરે છે. જે ઉપાસક પોતે હવન કરી શકતા નથી તે બીજા કોઇ વિદ્વાન ભૂદેવ પાસે હવન કરી લેતા હોય છે. આરીતે તેઓ પોતાના અંતર્મનનીય યાત્રા કરીને પોતાની આત્મ શક્તિમાં વધારો કરતાં જોવા મળે છે.

જો કોઇ મનુષ્યના પૂર્વજન્મમાં ઘણાં સુકૃત્યો હોય તો તે મનુષ્ય ઊંચા આસને બિરાજી શકતો હોય છે. તેથી તેને સમાજમાં માન મોભો મળે છે. જો તેને સમાજમાં ઊંચાઇ જાળવવી હોય તો તેણે પોતાની આત્મશક્તિની કૃપા મેળવવી જ પડે. ઊંચા આસને બેઠેલાને પડી જવાનો ખૂબ જ ભય હોય છે. જો તેણે ઊંચુ વ્યક્તિત્વ ધારણ કરી રાખ્યું હોય તો તેને ક્યાંયથી પડી જવાનો ડર નહીં રહે. મનુષ્યોના મન ઉપર દૃષ્ટ વિચારોનું સામ્રાજ્ય રાતના સમયે ઘણું વ્યાપતું હોય છે. જોગી, ભોગી અને રોગી મોટેભાગે રાતે જાગતા હોય છે. સાધકને આપણો સમાજ જોગી ગણે છે. તેથી સાધકે રાત્રે જાગીને પોતાની સાધના પાર પાડવી જોઇએ. સાધક મોટેભાગે સાત્વિક વિચારસરણી ધરાવતો હોવાથી તે જ્યારે રાતના અંધકારમાં સાધના કરવા બેસતો હોય છે ત્યારે તેનું મન પવિત્રતાની ઊંચાઇઓ સર કરતું હોય છે. રાતના સમયે જગતનો લગભગ તમામ જીવ જ્યારે સૂતો હોય છે ત્યારે યોગીઓ પોતાની સાધના કરવા જાગતા હોય છે. ઉપસનામાં સાધનાનું મહત્વ, સાવધાનીનું મહત્વ વિશેષ હોય છે. જો સાધક પોતાની સાધનામાં સજેપણ ગાફેલ હોય તો તેનું પતન થતાં સહેજેય વાર લાગતી નથી. સાત્વિક મનુષ્યો સાત્વિક પૂજન કરે છે. તામસી લોકો પોતાને શક્તિ મળે તે માટે અસુરી પૂજા કરતાં હોય છે. તો રાજસી વૃત્તિ ધરાવતા લોકો મિશ્ર પૂજા કરતાં હોય છે. આ જગતમાં સૌ પોતપોતાની પ્રકૃતિ અનુસાર શક્તિ ભક્તિ કરતાં હોય છે. પરંતુ આ તમામ બાબતોમાં એક જ વસ્તુ મુખ્ય હોય છે તે એ છે કે જે તે સાધક કે ઉપાસક પોતપોતાને માટે પોતાની પ્રકૃતિ અનુસાર શક્તિ મેળવીને તેનો યોગ્ય કે અયોગ્ય ઉપયોગ કરે. દરેક મનુષ્યે નોરતાની નવ રાતમાં શક્તિ ઉપાસના કરવી જ જોઇએ. તે કરવાથી જે તે ઉપાસક કે સાધકમાં શક્તિનો સંચય થાય છે જેના પ્રભાવથી તે અલૌકિક શક્તિનો માલિક બને છે. આ અલૌકિક શક્તિ જ તેને જીવનમાં ઊંચા આસને બેસાડે છે. આ જગતમાં શિવ અને શક્તિનું પ્રભુત્વ છે. જીવ માત્ર કાં તો શિવ છે કાં તો શક્તિ છે તેથી તેણે પોતાની પ્રકૃતિ ઓળખીને જે તે સાધના કરવી જોઇએ.

૭૦૦ મંત્રથી પૂર્ણ છે દુર્ગાસપ્તશતી જ્યારે બીજા મનુનુ આધિપત્ય ચોગરદમ ફેલાયેલું હતું. ત્યારે ચૈત્ર વંશનો રાજા સુરથ રાજ્ય કરતો તો. તેના પાડોશી રાજાઓએ તેના રાજ્ય પર હુમલો કરતાં તથા તેના મંત્રીઓ દ્વારા તેને દગો થતાં તે મહેલ છોડી વનમાં ચાલ્યો જાય છે. તે મેઘાઋષિના આશ્રમમાં આશરો લે છે. આ આશ્રમમાં સુરથ રાજાને સમાથિ નામનો વૈશ્ય (વાણિયો) મળે છે. બન્ને સમદુ:ખિયા હોઇ મેઘાઋષિને પોતાની સમસ્યા જણાવે છે. તેથી તેમના ચિત્તની શાંતિ માટે ઋષિ તેમને ભગવતી મહામાયા વિશે ત્રણ ભાગમાં જણાવે છે. જેના પ્રથમ ભાગમાં વિષ્ણુ ભગવાનના કાનમાંના મેલમાંથી ઉત્પન્ન થયેલા અસુરો મધુ અને કૈટભનો નાશ બીજા ભાગમાં મહિષાસુરના નાશની વાત તથા ત્રીજા ભાગમાં શુભ-નિશુંભ નામના દૈત્યના નાશની વાત કરવામાં આવે છે. જે સુરથ સમાધિને જણાવે છે. પ્રથમ ભાગમાં પ્રલય બાદ શ્રી હરિ વિષ્ણુ શેષશૈયા પર સુતા હતાં. તે સમયે તેમની યોગનિદ્રા હતી ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે રાક્ષસ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતાં જ નાભિકમળમાં રહેલા બ્રહ્માને મારવા ઉદ્યમ આદરે છે. તે વેળા બ્રહ્માજી ભગવતી યોગનિદ્રાની સ્તુતિ કરે છે. વિષ્ણુ ભગવાન પરથી યોગનિદ્રાનું પ્રભુત્વ ઘટતા વિષ્ણુ ભગવતીની સહાય વડે મધુ અને કૈટભનો નાશ કરે છે. બીજા ભાગમાં જણાવ્યું છે કે મહિષાસુર નામનો અતુલ પરાક્રમી રાક્ષસ પોતાની અદમ્ય શક્તિથી ત્રિલોક જીતીને ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લે છે. બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢે છે. બધા દેવો બ્રહ્માને લઇને વિષ્ણુ તથા શિવજી પાસે જાય છે. તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુ તથા શિવ ક્રોધે ભરાય છે. તે બન્ને શરીરમાંથી તેજ પ્રકટે છે. આ બધું જ તેજ એકત્ર થતાં તેનું દિવ્ય દૈવી સ્વરૂપ પ્રકટે છે. આ દેવીને બધા દેવોએ અસ્ત્રશસ્ત્ર આપ્યા. આ શક્તિએ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરતાં જ ભયંકર અટ્ટાહાસ્ય કર્યું. હાસ્ય સાંભળીને મહિષાસુર ભય પામીને દેવી પર આક્રમણ કરે છે. દેવી તથા તેમના સિંહે મહિષાસુરના અનેક સેનાપતિનો નાશ કર્યો છે. આથી ભયભીત મહિષાસુર દેવી સાથે યુદ્ઘ લડે છે. છેવટે દેવી તેનો વધ કરે છે. ત્રીજા ભાગમાં જણાવ્યું છે કે પૂર્વે શુંભ તથા નિશુંભ નામના બે પરાક્રમી અસુરો દેવો સાથે યુદ્ઘ લડીને ઇન્દ્રલોક તથા ઇન્દ્રાસન પડાવી લીધા. બધા દેવ હિમાલય પર ભગવતીની પ્રાર્થના કરે છે. ભગવતી મા પાર્વતી ઉપસ્થિત થાય છે. તેમના સ્વરૂપમાંથી શિવ-શક્તિ પ્રગટ થાય છે. પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા તે અંબિકા કૌશિકી કહેવાયા. આ અંબિકા કૌશિકને ચુંડ-મુંડ, શુંભ-નિશુંભના સેવકોએ જોયા. તેના સમ્રાટ શુંભ-નિશુંભને દેવીના અદ્ભૂત રૂપ વિશે જણાવ્યું. બન્ને અસુરો પોતાના દૂત દેવી પાસે મોકલે છે. તે નિષ્ફળ જતાં નિશુંભ-શુંભના પોતાના સેનાપતિઓ મોકલે છે. દેવી સાથે બધાનું યુદ્ઘ થાય છે. દેવી પ્રથમ રક્તબીજનો નાશ કરે છે. પછી શુંભ-નિશુંભને મારે છે. આમ અસુરોના નાશની કથા છે. છેલ્લે આ પાઠમાં દેવીના સ્વરૂપ, શસ્ત્ર-અસ્ત્ર, આભૂષણ વગેરે અંગે વિશદ છણાવટ છે. શ્રી દુર્ગા સપ્તશતીમાં આદ્યશક્તિના મહાકાલી-મહાલ-મી, મહાસરસ્વતી અને ત્રિગુણાત્મક સ્વરૂપની જેમ જ ચંડિકા વગેરે અનન્ય માતાઓની ઉત્પત્તિ અને તેમના મહાત્મયને ૭૦૦ શ્લોકોમાં જણાવેલ છે. જે માર્કંડૈય પુરાણમાં આવેલ છે. ચંડીપાઠમાં દેવ અપરાધ ક્ષમાપન સ્ત્રોત, સિદ્ઘકુંજિકાસ્ત્રોત, સપ્તશ્લોકી દુર્ગા વગેરે શ્લોકો આપ્યા છે. દુર્ગાસપ્તશતીમાં આવેલ સિદ્ઘ કુંજિકા સ્ત્રોત કર્યા વિના સપ્તશતીના પાઠ કરે તો સિદ્ઘિ પાપ્પ્ત થતી નથી. માટે સિદ્ઘકુંજિકસ્ત્રોત અવશ્ય કરવું જોઇએ.