Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
જીવનદાતા સૂર્યની જીવલેણ અસર
સૂર્યનો વિશાળ આગનો ગોળો રહસ્યમય આગની વિશાળ જ્વાળાઓ છોડતો રહે છે જેમાં ભારે ચુંબકીય ઊર્જા રહેલી હોય છે જે સૂર્યમાળામાં અનેક સમસ્યાઓ સર્જનાર સાબિત થાય છે
04/10/2018 00:10 AM Send-Mail
સુર્ય આપણી પૃથ્વી પર રહેલી જીવ સૃષ્ટિ પર સૌથી મોટુ અસરકારક પરિબળ છે.સુર્યમાળાનાં કેન્દ્રમાં આવેલ આ વિશાળકાય આગનો ગોળો આપણી પૃથ્વી પર જીવન સૃષ્ટિનો સંચાલક છે અને એ કારણે જ વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં સુર્યની પુજા કરવામાં આવતી હતી.જો સુર્ય ન હોય તો પૃથ્વી પર પણ જીવસૃષ્ટિનો ખાત્મો થઇ જાય.જો કે આ જીવનદાતા સુર્ય એવા અનેક રહસ્યો પોતાનામાં સમાવીને બેઠેલો છે જે આપણાં માટે ખતરનાક સાબિત થાય તેમ છે.વૈજ્ઞાાનિકોએ સુર્યનો ઉંડાણપુર્વક અભ્યાસ કર્યો છે અને તેમને કેટલીક માહિતી એવી હાથ લાગી છે જેણે તેમને ચિંતાતુર કરી મુકયા છે.સુર્યનાં પારજાંબલી કિરણો પૃથ્વીની આસપાસ રહેલા ઓઝોનનાં આવરણને કારણે એટલી ખતરનાક અસર પાડી શકતા નથી જેટલી તે પાડી શકવા માટે સક્ષમ છે.આ પારજાંબલી કિરણો અનેક સમસ્યાઓને જન્મ આપી શકે છે.તેના કારણે ત્વચાનું કેન્સર, વહેલું ઘડપણ આવી જવું,મોતીયા આવી જવા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવા જેવી અસરો સામેલ છે જો કે પૃથ્વી પરની ઔધોગિક ક્રાંતિને કારણે પૃથ્વીની આસપાસ રહેલું ઓઝોનનું પડ નષ્ટ થઇ રહ્યું છે જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્વચાનાં કેન્સરનાં કેસોમાં ભારે વધારો થઇ રહ્યો છે અને આગામી સમયમાં તેમાં વધારો થવાનો છે.

સુર્યનો વિશાળ આગનો ગોળો હરસમય આગની વિશાળ જવાળાઓ છોડતો રહે છે જેમાં ભારે ચુંબકીય ઉર્જા રહેલી હોય છે જે સુર્યમાળામાં અનેક સમસ્યાઓ સર્જનાર સાબિત થાય છે.નાસાનાં વૈજ્ઞાાનિકોએ આ જવાળાઓને કારણે પૃથ્વીની સજીવસૃષ્ટિનો ખાત્મો થવાની શક્યતાનો ઇન્કાર કર્યો છે પણ તેના કારણે પૃથ્વી પર અનેક દુષ્પ્રભાવક અસરો પેદા થઇ શકે છે. આપણી ઇલેકટ્રોનિક સિસ્ટમને તે ખાસ્સી અસર પહોંચાડી શકે છે.આ ઉપરાંત તેના કારણે આપણાં ઉપગ્રહોને અસર પહોંચી શકે છે.સુર્યની સપાટી પર હર સમયે ભારે ધડાકાઓ થતા રહે છે જેમાં ભારે માત્રામાં દ્રવ્યો તે સપાટી પર છોડતો રહે છે.જેના કારણે વિશાળ પ્લાઝમાનાં વાદળો સર્જાય છે જે બ્રહ્માંડમાં હાહાકાર મચાવવા માટે આમતેમ વિખેરાતા રહે છે. આ પ્લાઝમાના વાદળો પણ પૃથ્વી પર ઇલેકટ્રોનિક સિસ્ટમને વેરવિખેર કરી શકે છે તે આપણાં ટ્રાંસફોર્મરો અને પાવર ગ્રીડ ઉડાવી શકે છે અને આપણી ઉપગ્રહોની સિસ્ટમને પણ વેરવિખેર કરી શકે છે.

સુર્યની સપાટી પર દર અગિયાર વર્ષનાં ચક્રમાં કોરોનલ હોલ્સની રચના થાય છે અને તે ગમે ત્યારે અને ગમે ત્યાં થઇ શકે છે.તે યુનિપોલાર મેગ્નેટિક ફિલ્ડની રચના કરતા હોય છે.આ સોલાર હોલની સૌથી ખતરનાક બાબત એ છે કે તે સુર્યની જવાળાઓ અને સૌર તોફાનોને પોતાનામાંથી પસાર થવા દે છે.તેના કારણે પૃથ્વી પર જિયોમેગ્નેટિક તોફાનો પેદા થાય છે જેના કારણે વાતાવરણને ખાસ્સી અસર પહોંચે છે.આ તોફાનો પણ માનવજાતને સીધી અસર કરતા નથી પણ તેના કારણે આપણાં વિદ્યુત સાધનો કામ કરતા અટકી જાય છે અને અવકાશમાં સફર કરતા આપણાં એસ્ટ્રોનોટને મુશ્કેલીમાં મુકી શકે છે. બોરેલિસ અને ઓસ્ટ્રેલિસ ઓરોરાને કારણે સૌરતોફાનો પેદા થાય છે અને આખી પ્રક્રિયાને નરી આંખે જોઇ શકાય છે.જો આપણાં અવકાશયાત્રીઓનો ભેટો આ સૌર તોફાનો સાથે થાય તો તેમને મરણતોલ સ્થિતિનો સામનો કરવો પડે છે.આ સૌર તોફાનો આપણી અવકાશયાત્રાઓ માટે સૌથી વધારે ખતરનાક સાબિત થાય તેમ છે. ૧૮૫૯માં આપણાં વૈજ્ઞાાનિકોએ સૌથી વિશાળ સૌર તોફાનનો સામનો કર્યો હતો.જેને વૈજ્ઞાાનિકોએ કેરિંગ્ટન ઇવેન્ટ નામ આપ્યું હતું.આ ઘટનાએ ત્યારે પૃથ્વી પર ભારે હલચલ મચાવી દીધી હતી. આ ઘટના સમયે ઉત્તરીય પ્રકાશ છેક હોનોલુલુ સુધી જોવા મળ્યો હતો અને દક્ષિણનો પ્રકાશ ચિલીમાં જોવાયો હતો.જો કે ત્યારે હજી આપણે ખાસ વિદ્યુત સાધનો ધરાવતા ન હતા પણ ત્યારે ટેલિગ્રાફનાં ઓપરેટરોએ પોતાની ડિવાઇસમાં તણખા ઝરતા જોયા હતા વૈજ્ઞાાનિકો અનુસાર જો આ તોફાન આજે સર્જાય તો આપણી આખી સિસ્ટમને લકવાગ્રસ્ત કરી શકે છે. સુર્યનું રેડિયેશન આપણી સજીવસૃષ્ટિ માટે ઘાતક બની શકે છે જો આપણે આપણાં અસ્તિત્વને ટકાવી રાખવું હોય તો તેનાથી બચવાનો ઉપાય આજે નહી તો કાલે શોધવો જ રહ્યો. જો કે આજે તો આપણી પૃથ્વીની આસપાસ એક રક્ષાચક્ર છે જે આપણને તેનાથી સુરક્ષિત રાખે છે પણ જ્યારે આપણાં અવકાશયાત્રીઓ આ સુરક્ષા ચક્રને છોડીને અવકાશમાં જાય છે ત્યારે તેમને આ રેડિયેશનનો સામનો કરવો પડતો હોય છે.આપણાં વૈજ્ઞાાનિકો આ ખતરાને સમજે છે અને તેમણે તેનાથી રક્ષા માટેનાં ઉપાયો અંગે વિચારવાની શરૃઆત કરી છે પણ તે અવકાશમાં ચોતરફ છે અને મંગળની ટુંકી યાત્રા પણ આપણાં માટે પડકારજનક બની રહી છે ત્યારે તેનાથી કેટલો સમય બચી શકાશે તે સવાલ છે. સુર્યએ સુર્યમાળામાં કેન્દ્રનો તારો છે અને તેની સપાટી પર હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને આ પ્રક્રિયા હાલ તો સ્થિર છે તેના કારણે આપણને જે સુર્યપ્રકાશ મળી રહ્યો છે તે જીવન સંચાલક તરીકે કામ કરે છે પણ જો આ સુર્યની ગરમીમાં વધારો થાય તો..સંશોધકો માને છે કે જો તેમાં વધારો થાય તો પૃથ્વીની સપાટી પર જેટલું પાણી છે તે બધું જ વરાળમાં પરિવર્તિત થઇ જાય.જો કે સંશોધકો એક અન્ય થિયરીને લઇને ખાસ્સા ચિંતાતુર છે કારણકે તે પૃથ્વીનાં અસ્તિત્વ સાથે સંકળાયેલી છે કારણકે સુર્ય છે તો પૃથ્વીનું અસ્તિત્વ છે પણ જો સુર્ય જ ન રહે તો પૃથ્વી વેરાન થઇ જાય.જો કે સુર્યની આ સ્થિતિ સર્જાવાને હજી અબજો વર્ષની વાર છે અને ત્યાં સુધી પૃથ્વી પર માનવજાત રહે છે કે નહી તે એક સવાલ છે આથી સુર્યનો વિનાશ કદાચ માનવજાત જોઇ શકશે કે નહી તે કહી શકાય તેમ નથી.