Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :
નજર લાગવાની વાતમાં અંધવિશ્વાસ છે કે વાસ્તવિકતા ?
વિજ્ઞાનનું માનવું છે કે વ્યક્તિની આંખોમાંથી નીકળતા કેટલાક તરંગો સામેની વસ્તુ કે વ્યક્તિ પર નકારાત્મક કે સકારાત્મક પ્રભાવ પાડે છે
01/10/2018 00:10 AM Send-Mail
વ્યક્તિ સાથે જયારે મુશ્કેલીના પ્રસંગો એક બાદ એક બનતા રહે. નાણાંકીય તંગી રહે, પરિવારમાં ઝઘડા-કંકાસનું વાતાવરણ રહ્યા કરે ત્યારે કોઇની ભૂંડી નજર લાગી હોવાની લોકોકિત છે. ખાસ કરીને બાળકો બીમાર પડે ત્યારે તેમને કોઇકની નજર લાગી હોવાનું સ્વાભાવિકપણે માનવામાં આવે છે. જો કે કેટલાક આ વાતને અંધવિશ્વાસ ગણાવે છે પરંતુ મોટાભાગના લોકો આ વાતમાં વિશ્વાસ ધરાવે છે. આથી ખરેખર નજર લાગવી એ અંધવિશ્વાસ છે કે વાસ્તવિકતા તે અંગે જાણકારી મેળવવી જોઇએ.

નજર લાગવી તેને એક પ્રકારનો દોષ માનવામાં આવે છે. કેટલાક લોકો ઇર્ષ્યાના કારણે આવું કરતા હોય છે. અન્ય સુખી, સફળ વ્યકિતને જોઇને મનોમન ઇર્ષા કરનારાઓની સંખ્યા વધતી જતી હોય છે. આવા ઇર્ષાળુઓની નજર લાગતી હોવાનું માનવામાં આવે છે. કયારેક કોઇકની ઇર્ષાળુ નજર ઝાઝું નુકસાન નથી પહોંચાડતી તો કયારેક સમગ્ર જીવન ખેદાનમેદાન કરવાની ક્ષમતા રાખતી હોવાનું પણ કહેવાય છે. આથી જયારે વિના કારણ હસતા પરિવાર, વ્યકિત કે બાળકમાં રાતોરાત પરિવર્તન આવે તો સમજવું કે ચોકકસ કાંઇક ગરબડ છે.

જો કે આ પ્રકારની માન્યતાઓમાં મોટાભાગના વ્યકિતઓને વિશ્વાસ હોય છે. પરંતુ નજર લાગવાની બાબતને વિજ્ઞાન ગણકારતું નથી. વિજ્ઞાનનું માનવું છે કે વ્યકિતની આંખોમાંથી નીકળતા કેટલાક તરંગો સામેની વસ્તુ કે વ્યકિત પર નકારાત્મક કે સકારાત્મક પ્રભાવ પાડે છે. આથી આ તરંગો જેટલી તેજ હોય છે તેટલો તેનો નકારાત્મક પ્રભાવ વધુ હોય છે. મનુષ્યના મગજની ઉપજ ગણાતી આ બાબત ભલે આસ્થાની હોય કે અંધવિશ્વાસ પરંતુ સદીઓથી વ્યકિતઓ આ બાબતને માની રહ્યા છે. કેટલાક આ પ્રકારની નજરથી બચવા તરેહતરેહના ઉપાયો પણ અજમાવે છે. જેમાં કહેવાય છે કે જે વ્યકિતને નજર લાગી હોય તેની ઉપરથી ત્રણ વખત દૂધ વાળીને કૂતરાંને પીવડાવી દેવું જોઇએ, તેનાથી નજર ઉતરી જાય છે. આ ઉપરાંત હનુમાનજીની પૂજા કરવાથી પણ નજર દોષમાંથી સત્વરે છૂટકારો મળે છે.