Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :
કેરીનું નામ કેમ પડયું 'લંગડો' : ૩૦૦ વર્ષ અગાઉ રોપાયું હતું તેનું બીજ
બનારસની લંગડો કેરી જેવો સ્વાદ અન્ય વિસ્તારોની કેરીમાં ન હોવાની પદ્મશ્રી હાજી કલીમુલ્લાહની કેફીયત
01/10/2018 00:10 AM Send-Mail
કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. કેરીની અનેક જાતોમાં લંગડાને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ભારતમાં લગભગ ૧પ૦૦ પ્રકારની કેરી મળે છે. પરંતુ તેમાં લંગડાની તોલે અન્ય કોઇ ન આવે તેવું સ્વાદરસિકોનું માનવું છે. મેથી ઓગસ્ટ માસ વચ્ચે પાકતી કેરીના ફળનો રંગ લીલો અથવા આછો પીળો હોય છે. બજારમાં મળતી કેરીની અન્ય જાતની સરખામણીએ લંગડો કેરી વધુ મીઠી અને મુલાયમ હોય છે. રેસાદાર લંગડા કેરીની જયાફત માણનાર સ્વાદરસિક વર્ગ બહોળા પ્રમાણમાં જોવા મળે છે.

લંગડો કેરીની ખેતી ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરીસ્સા, પંજાબ, પ.બંગાળ અને રાજસ્થાનમાં કરવામાં આવે છે. ગુજરાતીમાં લંગડો તરીકે ઓળખાતી કેરીને અંગ્રેજીમાં 'લેમ' મતલબ કે લંગડો કહેવામાં આવે છે. પરંતુ કેરીની આ જાતનું નામ લંગડો કેમ રાખવામાં આવ્યું હશે ? શું ઇતિહાસ છે તેની પાછળ તે અંગેની જાણકારી મેળવીએ.

પદ્મશ્રી હાજી કલીમુલ્લાહનું નામ સૌએ સાંભળ્યું હશે. ઉત્તરપ્રદેશના મલીહાબાદમાં કેરીની ખેતી કરવા માટે તેઓ જાણીતા છે. તેઓનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. હાજી કલીમુલ્લાહની પાસે લંગડો કેરીના નામ, ઇતિહાસ અંગેનો જવાબ છે. તેઓના જણાવ્યાનુસાર તેઓના મામા સાહેબે લગભગ ૩૦૦ વર્ષ અગાઉ આ કેરીની ખેતી કરી હતી. તે સમયે તેઓ બનારસમાં રહેતા હતા. એક સમયે તેઓએ આ કેરી ચાખી અને બાદમાં તેનું બીજ પોતાના ઘરના આંગણામાં વાવ્યું હતું. તેઓ પગે લંગડા હોવાથી ગામમાં તેઓને સૌ લંગડા તરીકે ઓળખતા હતા. તેઓના ઘરના આંગણામાં રોપાયેલ બીજમાંથી વૃક્ષ બન્યું અને તેની પર કેરીઓ આવવાની શરૂ થતા સૌએ આશ્ચર્ય અનુભવ્યું હતું. આ કેરીનો સ્વાદ ખૂબ મીઠો હોવાથી સૌએ કેરીની આ જાતનું નામ લંગડો રાખ્યું. હાજી કલીમુલ્લાહનું કહેવું છે કે લંગડો કેરી દેશના મોટાભાગના વિસતારોમાં મળે છે પરંતુ જે સ્વાદ બનારસની લંગડો કેરીમાં છે તે અન્ય વિસ્તારની કેરીમાં નથી. એક સમયે દિલ્હીના તાલકટોરામાં કેરીઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં તેઓએ પોતાના અમેરિકન મિત્રોને બોલાવ્યા હતા. તેઓને અનેક પ્રકારની કેરીઓ આપવામાં આવી હતી. પરંતુ તમામમાં તેઓને માત્ર લંગડો કેરી જ પસંદ આવી હતી. વાસ્તવમાં લંગડો કેરીની બરાબરી કરવી મુશ્કેલ છે. આથી જ દર વર્ષ કેરીની સીઝનમાં લંગડો કેરીની આવક શરૂ થતાં જ તેના ખરીદનાર ગ્રાહકોની ભીડ જામે છે.