Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
એમબીએ ક્યાં કરવું જોઇએ?
ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી ડિગ્રી લેવાની હોવાથી તેમાં ખર્ચ પણ ઓછો આવશે. આ રીતે એમબીએ કરવાના એકથી વધુ ફાયદા છે. તમને ડિગ્રી પણ મળશે અને નોકરીનો અનુભવ સારી નોકરી મેળવવામાં મદદ કરશે
27/09/2018 00:09 AM Send-Mail
શિક્ષણ એક એવુ ક્ષેત્ર છે કે જ્યાં સતત પરિવર્તન થઇ રહ્યું છે. પહેલાના સમયના શિક્ષણ અને અત્યારના શિક્ષણમાં ખૂબ તફાવત આવી ગયો છે. જો કે કેટલીક ડીગ્રીઓ તો હવે ફેશન બની ગઇ છે અને યુવકો તો તેને માત્ર ફેશન માટે જ લેતા હોય તેમ લાગતું હોય છે. જો કે સૌથી મહત્વની બાબત એ સમજવાની છે કે તમારે શું જોઇએ છે ? અને તમારો શેમાં રસ છે? આ બે બાબત સમજવી ખૂબ જ જરૃરી છે. બાકી તમને રસ ન હોય તેવો વિષય ભણવાનો પ્રયત્ન કરશો તો પણ તમે સફળ થાવ તેવી શક્યતા ખૂબ ઓછી છે. ખાસ કરીને અત્યારે તો દેખાદેખીમાં વિદ્યાર્થીઓ આઇ એમ એમ જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. જો કે ભલે આર્થિક સ્થિતિ સારી ન હોય પણ જો વિદ્યાર્થીને આઇ એમ એમ જેવી સંસ્થામાં પ્રવેશ મળી જાય તો આ તેને ત્યાં ભણાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરવો જોઇએ. ભલે તેના માટે તમારે લોન લેવી પડે કેમ કે જો એક વખથ સારી સંસ્થામાં તેનુ ભણતર શરૃ થઇ ગયું તો તેને નોકરી મળવાની જ છે અને તે સમયે સરળતાથી આ લોન ચૂકવી શકાય છે. પરંતુ જો વિદ્યાર્થી સારી સંસ્થામાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ જાય છે તો તમારે ઉંચા નાણાં આપીને અન્ય સ્તરની સંસ્થાઓમાં ભણાવવાનું જોખમ ન લેવુ જોઇએ. અત્યારે ઘણી સંસ્થાઓ ઉંચાં નાણાં લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દે છે ભલે તેઓની યોગ્યતા ન હોય અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને બાકીના જીવનમાં તે કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉદ્યોગ મંડળ એસોચૈમનો હાલનો સર્વે જણાવે છે કે બી શ્રેણીમાં આવતી બિઝનેસ સંસ્થાઓમાં કેમ્પસ ઇન્ટવ્યુ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવીત થયા છે અને ત્યાંના માત્ર ૧૮ ટકા વિદ્યાર્થીઓને નોકરી મળી શકી છે. વળી જે વિદ્યાર્થીઓને નોકરી મળી છે તેઓને અન્ય વિદ્યાર્થીઓ કરતા ૪૫ ટકા ઓછુ વેતન મળી રહ્યું છે. આ અહેવાલના આંકડાં તેથી જ ખૂબ ચિંતા ઉપજાવે તેવા છે. જો વિદ્યાર્થીને આઇ એમ એમ જેવી સંસ્થાઓમાં પ્રવેશ ન મળે તો તેવા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એઆઇસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં પ્રવેશ લેવા માટે દોડાદોડ શરૃ કરી દેતા હોય છે. વળી આવી માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓની તો ભરમાર છે. વળી આવી સંસ્થાઓ તો સતત એવા દાવા કરતી હોય છે તે તેઓની સંસ્થામાં અપાતુ શિક્ષણ સર્વોત્તમ ક્વોલીટીનું છે અને તેઓ પ્રવર્તમાન ઉદ્યોગજગતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગજગત અને વિદ્યાર્થી એમ બંન્નેને ફાયદો થાય તેવુ શિક્ષણ આપે છે. પરંતુ વાસ્તવિકતા તો કાંઇક અલગ જ હોય છે. વાસ્તવિકતા તો તે છે કે આવા વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ સારુ હોતુ નથી અને તેથી જ તેઓને નોકરીમાં પણ સમસ્યા આવતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ તો નોકરી મેળવવાને લાયક પણ હોતા નથી. જો યોગ્યતાને આધારે તમને પ્રવેશ ન મળતો હોય તો અન્ય કોઇ આવી સંસ્થામાં પ્રવેશ લેવા કરતાં અન્ય કોઇ વિકલ્પ વિચારો પરંતુ આવી સંસ્થામાં જવાથી સરવાળે તમને જ ખોટ જશે અને તમારા જીવનના મહત્વના વર્ષનો બગાડ થશે.વિદ્યાર્થી સ્નાતક સુધી ભણ્યા બાદ પણ જો ઇચ્છે તો ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી એમ બી એ ની ડીગ્રી મેળવી શકે છે. ખાસ કરીને જો આર્થિક હાલત સારી ન હોય તો તે માટે નોકરી અનિવાર્ય રહેશે. અને આ રીતે નોકરીનો અનુભવ પણ મેળવી શકશે અને અન્ય એક મહત્વનો ફાયદો એ થશે કે ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી ડીગ્રી લેવાની હોવાથી તેમાં ખર્ચ પણ ઓછો આવશે. આ રીતે એમ બી એ કરવાના એકથી વધુ ફાયદા છે. ખાસ કરીને જ્યારે તમારા સાથી મિત્રો એમ બી એ કરીને બહાર પડશે ત્યાં સુધી તમારો નોકરીનો અનુભવ સારો એવો થઇ ચૂક્યો હશે. વળી ડીગ્રી તો તમને પણ મળશે. પરંતુ તમારો નોકરીનો અનુભવ તમને સારી નોકરી મેળવવામાં મદદ કરશે. આ સિવાય તમારી પાસે હવે આર્થિક પાસુ પણ સદ્ધર હશે. તેથી સરવાળે તમને જ ફાયદો થશે. કેટલાક લોકો કહે છે કે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા મેળવાતી એમ બી એની ડીગ્રીની લાયકાત નિયમિત એમ બી એ કરેલ હોય તેટલી હોતી નથી. જો કે તે લોકો તેઓની રીતે સાચા પણ છે પરંતુ તમારી પાસે જે અનુભવ છે તે તમને તેઓના કરતા વધુ આગળ લઇ જવામાં મદદ કરશે.વિભિન્ન વિશ્વવિદ્યાલયો દ્વારા પાર્ટ ટાઇમ એમ બી એ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો કે તેના માટે તમારો બે વર્ષનો કોઇ ક્ષેત્રમાં અનુભવ હોય તે જરૃરી છે. આ માટે કોઇ પણ વિદ્યાર્થી સ્નાતકની ડીગ્રી મેળવ્યા બાદ નોકરી કરી શકે છે અને નોકરી બાદ આ રીતે પ્રેવેશ મેળવીને પાર્ટ ટાઇમ એમ બી એ કરી શકે છે. સામાન્ય રીતે આ રીતે જ્યારે એમ બી એ કરી રહ્યા હોય ત્યારે તેના લેક્ચર સાંજે કે સપ્તાહમાં બે દિવસ (સામાન્ય રીતે શનિ, રવિ) હોય છે. તમારે આ લેક્ચર ભરવાના હોય છે અને બાકીના દિવસોમાં તમે તમારી નોકરી કરી શકો છો. ખાસ કરીને જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને જો તેઓને નોકરી વિના ચાલે તેવુ ન હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારે મેળવેલ ડીગ્રી ખાસ ઉપયોગમાં આવી શકે છે. આ રીતે તમારી આર્થિક સ્થિતિ પણ દિવસે દિવસે વધુ સારી થતી જશે. તમને અનુભવ પણ મળતો રહેશે તો બીજી તરફ તમને ડીગ્રી પણ મળશે.

ઉદ્યોગ જગત ખૂબ વિશાળ છે અને તેમાં નાના કૌશલ્યોની જરૃરિયાત પડતી હોય છે. એવુ જરૃરી નથી કે માત્ર એમ બી એ કરવાથી તમને ઉદ્યોગ ક્ષેત્રમાં તક મળશે. જો તમારે ઉદ્યોગ ક્ષેત્ર તરફ જવુ હોય તો તમારે કૌશલ્ય કેળવવું જરૃરી છે. ઉદ્યોગ જગતમાં નાના નાના કૌશલ્યોની જરૃર પડતી હોય છે અને તે માટે તમારે કાંઇ એમ બી એ કરવાની જરૃર નથી. તમે આ કૌશલ્ય કેળવીને પણ ઉદ્યોગ જગતમાં એન્ટ્રી મારી શકો છો. તમારે તે માટે કાંઇ એમ બી એની જરૃરિયાત નથી. ઘણી સંસ્થાઓ આવા કૌશલ્ય માટે ખાસ સર્ટીફીકેટ કોર્ષ ચલાવતી હોય છે અને તમે આ સર્ટીફીકેટ કોર્ષ પાસ કરો તો તમને પણ ઉદ્યોગ જગતમાં એન્ટ્રી મળી શકે છે. પરંતુ તે માટે તમારે જે તે કૌશલ્યમાં ટોચનું સ્થાન મેળવવુ જરૃરી હોય છે. ઉદ્યોગ જગતમાં આવા કૌશલ્ય આધારિત વ્યક્તિઓની ખૂબ જરૃરિયાત હોય છે અને જો તમે આ કૌશલ્ય કેળવી શકો તો તમને પણ સારી એવી નોકરી મળી શકે છે. ફાઇનાન્સીયલ પ્લાનિંગ અને વેલ્થ મેનેજમેન્ટ અત્યારે તો ખૂબ મહત્વનું પાસુ બની ગયું છે. તમે જો આ ક્ષેત્રમાં સારા એવા કૌશલ્ય વાન વ્યક્તિ બની શકો છો અને જો તમારા માં કૌશલ્ય હશે તો ચોક્કસપણે તમને તક મળશે. પરંતુ તે માટે તમારી યોગ્યતા હોય તે ખૂબ જરૃરી છે. અત્યારે તો સર્ટીફાઇડ ફાઇનાન્સીયલ પ્લાનર (સી.એફ.પી.) અને ચાર્ટડ વેલ્થ મેનેજર ( સી. ડબલ્યુ.એમ.) જેવા સર્ટીફીકેટ કોર્ષની માંગ અત્યારે વધુ છે અને જો તમે આવા કોઇ સર્ટિફિકેટ કોર્ષ કરી તેમાં કૌશલ્ય કેળવો અને નામના મેળવો તો તમને પણ ચોક્કસપણે સારી એવી નોકરી મેળી શકે છે. એવુ નથી કે માત્ર ઉદ્યોગના ક્ષેત્રમાં જ આ સર્ટિફિકેટ કોર્ષની માંગ છે. અન્ય પણ કેટલાક ક્ષેત્ર છે જેમ કે બેંક ક્ષેત્ર, વીમા ક્ષેત્ર વગેરે ક્ષેત્રમાં પણ આવા સર્ટિફિકેટ ધરાવતા યુવકોની જરૃરિયાત હોય છે અને જો તમે ઉદ્યોગ જગત સિવાય અન્ય ક્ષેત્રમાં પણ જવા માટે તૈયાર હો તો આ ક્ષેત્ર પણ કાંઇ ખોટા નથી. આ ક્ષેત્રમાં પણ તમે જઇ શકો છો અને તમારો વિકાસ કરી શકો છો. અત્યારે શિક્ષામાં સારા એવા વિકલ્પ છે અને શિક્ષાના દરેક સ્થાને આજ બાબત છે પરંતુ વર્તમાન સમય એવો છે કે તમે તમારી શક્તિ કરતાં વધુ ખર્ચો સંતાન પાછળ કરી નાખો તો તેમાં તમને નુકસાન થાય છે. ખાસ કરીને જો સંતાન યોગ્ય હોય અને યોગ્ય સંસ્થામાં તેને પ્રવેશ મળી જતો હોય તો વાંધો નથી પરંતુ જો તેને યોગ્ય સંસ્થામાં પ્રવેશ ન મળે તો ધ્યાન રાખીને આગળ વધવુ સારુ કેમ કે અત્યારે ઘણી ખાનગી સંસ્થાઓ છે પરંતુ તેમાં ભણેલા યુવકોને નોકરીની તકો કેટલી છે તે સૌ કોઇ જાણે છે તેથી આ બાબતે સમજી વિચારીને આગળ વધવુ યોગ્ય ગણાશે.