Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
વિજ્ઞાન જગતની નવીનતમ શોધ
માતાની યોનિમાં બાળકને ઉપયોગી થાય એવા બેક્ટેરિયા હોય છે, જે સામાન્ય પ્રસવ વખતે બાળક ગળી જાય છે. સિઝેરિયનથી જન્મેલાં બાળકો આ પ્રાકૃતિક લાભથી વંચિત રહી જાય છે
09/08/2018 00:08 AM Send-Mail
કૉપનહેગન યુનિવર્સિટીના સંશોધકો એક ચોંકાવનારા નિષ્કર્ષ પર પહોંચ્યા છે. એમનું કહેવું છે કે સારું કૉલેસ્ટેરોલ બહુ મોટા પ્રમાણમાં હોય તો મૃત્યુની શક્યતા ૬૫ ટકા વધી જાય છે. આપણે ખરાબ કૉલેસ્ટેરોલની બહુ ચિંતા કરી; હવે સારા કૉલેસ્ટેરોલની પણ ચિંતા કરવાની છે! સંશોધકોની ૧૦.૫૦૦ મરણોની સર્વે કરી તેમાં જોવા મળ્યું કે પુરુષોમાં એચડીએલને કારણે ૧૦૬ ટકા અને સ્ત્રીઓમાં ૬૮ ટકા મૃત્યુની શક્યતા વધી જાય છે.

આપણામાંથી ઘણા આવી ફરિયાદ કરતા હોય છે. કાનમાં વિચિત્ર સિસોટી વાગ્યા કરતી હોય પણ એ માત્ર તમને જ સંભળાય, બીજા કોઈને નહીં. વૈજ્ઞાાનિકોને એનું શક્ય કારણ છેક હવે સમજાયું છે એટલે હજી એનો ઉપાય નથી મળ્યો પણ કારણ મળતાં ઉપાય પણ શોધી લેવાશે.ઇલિનૉઇસ યુનિવર્સિટીના 'સ્પીચ ઍન્ડ હીઅરિંગ' વિભાગનાં અધ્યક્ષ ફાતિમા હસનના જણાવ્યા પ્રમાણે આ અભ્યાસમાં મુશ્કેલી એ હતી કે આવી તકલીફ કોઈ પણ ઉંમરે થતી હોય છે અને એ કેટલો સમય ચાલશે તે પણ કોઈ કહી ન શકે. પરંતુ આ સિસોટી તમારા મગજમાં જ છે એટલું હવે નક્કી થઈ ગયું છે.આવા એક દરદીની તપાસ કરતાં જોવા મળ્યું કે મગજમાં પ્રીક્યુનિયસ નામનો ભાગ છે તેની કાર્યવાહી ટિનાઇટસ માટે જવાબદાર છે. આ ભાગમાં બે અલગ નેટવર્ક કામ કરે છે અને બન્ને એકબીજાથી ઉલ્ટાં ચાલે છે. વ્યક્તિનું ધ્યાન કોઈ વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે પીઠ તરફ આવેલું નેટવર્ક (ડૉર્સલ ઍટેન્શન નેટવર્ક) સક્રિય થઈ જાય છે અને 'ડીફોલ્ટ મોડ'નું નેટવર્ક નિષ્ક્રિય થઈ જાય છે. કમ્પ્યુટરમાં જેમ ઘણી પદ્ધતિઓ 'બૅકગ્રાઉંડ'માં ચાલ્યા કરે છે તેમ આ ડીફોલ્ટ મોડ પણ માણસ ખાસ કશું ન વિચારતો હોય કે કંઈ કરતો ન હોય ત્યારે ચાલ્યા કરે છે. ડૉ. હુસેનની ટીમને જોવા મળ્યું કે ટિટાઇનિસની બીમારીવાળા લોકોમાં પ્રીક્યુનિયસ ઍતેન્શન નેટવર્ક સાથે વધારે જોડાયેલું હોય છે એટલે માણસ નિષ્ક્રિય હોય ત્યારે પણ ડૉર્સલ નેટવર્ક ચાલુ જ રહે છે. આનો અર્થ એ કે ટિટાઇનસના દરદીઓને ખરા અર્થમાં આરામ મળતો જ નથી હોતો. આટલું જાણ્યા પછી હવે ડૉર્સલ નેટવર્કને 'ઑફ' કરવાનું મોટું કામ બાકી રહ્યું છે. ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં હૈદરાબાદમાં ઇંટરનૅશનલ યુનિયન ઑફ ક્રિસ્ટલોગ્રાફીની ૨૪મી કોંગ્રેસ અને જનરલ ઍસેમ્બ્લીની બેઠક મળી ગઈ. એમાં રૉબર્ટ ક્રિકલે પોતાનું એક વિખ્યાત મૉડેલ રજૂ કર્યું જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયું. આ શાનું મૉડેલ છે? એના વિના આપણું ભોજન ખાવાલાયક બનતું જ નથી. એ છે આપણું રોજનું સાથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે ખાવાનું મીઠું! આપણે રોજ ખાઈએ છીએ તે મીઠું અંદરથી આવું છે. આખા મીઠાનો કણ એક ચમકદાર સ્ફટિક છે અને એક્સ-રે દ્વારા એની આંતરિક સંરચના તો એક સદી પહેલાં પિતાપુત્રની જોડી, વિલિયમ અને લૉરેન્સ બ્રૅગ્સે જાણી લીધી હતી પરંતુ રૉબર્ટ ક્રિકલને લાગ્યું કે એને નરી આંખે જોઈ શકાય એવડું મોટું બનાવવું જોઈએ કે જેથી સામાન્ય લોકોમાં વિજ્ઞાાનમાં અભિરુચિ વધે.૨૦૧૫માં ક્રિકલે મીઠાના સ્ફટિકનું મહાકાય મૉડેલ બનાવ્યું અને વિયેનાના સિટી હૉલમાં જનતા માટે પ્રદર્શિત કર્યું. પરમાણુઓ દેખાડવા માટે એમાં ૩૮,૮૦૦ ગોળીઓનો ઉપયોગ થયો છે અને એમને જોડતી સળીઓની કુલ લંબાઈ ૧૦.૫ કિલોમીટર. છે. મૉડેલનું વજન ૬૮૦ કિલોગ્રામ છે. યુરોપની બહાર એ પહેલી વાર હૈદરાબાદમાં પ્રદર્શિત કરાયું.

કોઈ પણ નેતાના મૃત્યુ વખતે આવા શ્મશાન યાત્રામાં સૂત્રોચ્ચાર થતા હોય છે, "જબ તક સૂરજ-ચાંદ રહેગાપ (દિવંગત નેતાનું નામ) તેરા નામ રહેગા. આ તો નેતાના ભક્તોના મનની વાત' થઈ, ખરેખર તો એ નેતાની ચિતા જલતી હોય તે જ ઘડીથી સત્તાની સાઠમારી શરૃ થઈ જતી હોય છે. પરંતુ એક જીવ એવો છે કે જે ખરેખર સૂરજ રહેશે ત્યાં સુધી રહેશે અને સૂરજનું મૃત્યુ જોશે! આ ભાઈ છે, ટાર્ડીગ્રેડ. એ આઠ પગનો સૂક્ષ્મ જીવ છે એનું કદ અર્ધા મિલીમીટરથી વધારે નથી હોતું એટલે એ માઇક્રોસ્કોપ નીચે જ દેખાય છે. ઑક્સફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીઓના સંશોધકોએ એનો અભ્યાસ કર્યો છે. એમનો લેખ 'સાયન્ટિફિક રિપોર્ટર' નામના સામયિકમાં પ્રકાશિત થયો છે. સંશોધકોએ એની જીવનશૈલીનો અભ્યાસ કરીને અંદાજ કાઢયો છે કે પૃથ્વી પરના કોઈ પણ સંજોગો એને જીવનથી વંચિત કરી શકતા નથી એટલે એની આવરદા દસ અબજ વર્ષની હશે. એનો અર્થ એ કે સૂરજનું મૃત્યુ થયા પછી પણ એ ટકી જશે અને એ સંજોગોમાં ભારે ઊથલપાથલ થાય તેમાં બીજા ગ્રહમાં પહોંચી જાય અને ત્યાં જીવનની શરૃઆત કરે તો નવાઈ નહીં. ટાર્ડીગ્રેડના અધ્યયનનું કામ એક પેઢીમાં પૂરું નથી થતું એને ૩૦ વર્ષ સુધી ખાવાનું કે પાણી ન મળે તો પણ જીવી જાય છે. શૂન્યની નીચે ૧૫૦ ડિગ્રી ઠંડીમાં કે શૂન્યની ઉપર ૧૫૦ ડિગ્રી સુધીની ગરમીમાં પણ એ મરતો નથી. એટલે કોઈ જબ્બર ઉલ્કા પૃથ્વી પર ખાબકે તો પણ ટાર્ડીગ્રેડ બચી જશે કારણ કે એકાદ ઉલ્કાથી બધા સમુદ્રોનું પાણી ખદબદવા લાગે એવું નહીં બને, પરંતુ આવા જીવ પૃથ્વી પર કે બીજે ક્યાંય પણ હોઈ શકે છે, આપણે તો જાણતા નથી! શરીરના કોશોમાં ઘણી જાતનાં કામ થાય છે. એક કામ બગડેલા માલમાંથી સારા ભાગ છૂટા પાડીને નવા ઊર્જાદાયક કોશો બનાવવાનું છે. આના માટે કોશમાં જ એક નાની રીસાઇક્લિંગ ફૅક્ટરી ચાલે છે. આ પ્રક્રિયાને ઑટોફેજી- કે પોતાને જ ખાવું કહે છે. આવી રીસાઇક્લિંગ ફૅક્ટરીને ઑટોફેગોઝોમ કહે છે. જ્યારે આ વ્યવસ્થા પડી ભાંગે ત્યારે અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી બીમારીઓ થાય છે. 'કરન્ટ બાયોલૉજી' સામયિકમાં આ વિષય પર એક લેખ પ્રકાશિત થયો છે તેના પ્રમાણે સંશોધકોને આ આખી પ્રક્રિયામાં એક એવો રસ્તો જોવા મળ્યો છે કે જેના દ્વારા આવા રોગોને જ રોકી શકાય.કોશની અંદર સેન્ટ્રોઝોમ નામનો એક ભાગ હોય છે જે કોશના માળખાને ટકાવી રાખે છે. આ ભાગમાંથી ઑટોફેજી પ્રોટીન છૂટો પડીને ઑટોફેગોઝોમમાં જતો હોય છે. સંશોધકોએ જોયું કે કોશમાં પીસીએમ૧ નામનો પ્રોટીન કૂરીઅરનું કામ કરે છે અને પ્રોટીનને સેન્ટ્રોઝોમમાંથી ઑટોફેગોઝોમ સુધી પહોંચાડે છે. હવે એમણે પીસીએમ૧ને હટાવી લીધો તો જોયું કે આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને અમુક પ્રોટીન 'પ્રોટિઆઝોમ'માં પહોંચી ગયો અને અમુક ભળતા સરનામે, બીજા ઑટોફેગોઝોમમાં પહોંચ્યો. કયા ઑટૉફેગોઝોમમાં જાય તો રોગને અટકાવી શકાય તે હજી શોધવાનું બાકી છે, પણ એમાં પીસીએમ૧ની ભૂમિકાની પાકી ખબર પડી. આથી હવે ઑટોફેજી પ્રોટીનને ક્યાં મોકલવો તે નક્કી કરી શકાશે. વૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું ઉપકરણ બનાવ્યું છે કે એને તમે જૅકેટ, શર્ટ કે સ્કર્ટની સાથે પહેરી શકશો. તે પછી થોડું ચાલશો, હાથ હલાવશો તેની ગતિને કારણે એમાં વીજળી પેદા થશે અને એનાથી તમે મોબાઇલ કે લૅપટૉપ ચાર્જ કરી શકશો. કાળા ફોસ્ફરસની અતિ પાતળી તકતીમાંથી આ ઉપકરણ બનાવ્યું છે. માણસ હલનચલન કરે તે વખતે બહુ થોડી વીજળી પેદા થતી હોય છે. આ તકતીને એટલી નીચી ફ્રિક્વન્સી પર દબાવો કે વાળો એટલે એ કામ કરવા લાગે છે.સંશોધક ટીમના એક લેખક નીતિન મુરલીધરન કહે છે કે તમે ઉસૈન ઓલ્ટને જુઓ છો ત્યારે એને દુનિયાના સૌથી ઝડપી દોડવીર તરીકે જુઓ છો પણ મને એનામાં ૫ હર્ટ્ઝનું મશીન દેખાય છે. કાળા ફોસ્કરસની તક્તી વાપરવાથી આટલી ઓછી ફ્રિક્વન્સીએ પણ વીજળી પેદા થાય છે. સામાન્ય રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે ૧૦૦ હર્ટ્ઝની શક્તિ જોઈએ પણ આ સંશોધકોએ બહુ જ નીચી ફ્રિક્વન્સીએ વીજળી પેદા કરી દેખાડી છે.હજી તો તમારાં ચાર્જર/ઍડેપ્ટર સાચવી રાખજો કારણ કે આ ઉપકરણ બજારમાં આવતાં તો ઘણો વખત લાગી જશે, પણ આવ્યા વગર નહીં રહે. સામાન્ય પ્રસવને બદલે સિઝેરિયન દ્વારા જન્મેલાં બાળકો સામે સ્થૂળતા, દમ અને બીજી બીમારીઓનું જોખમ વધારે હોય છે. માતાની યોનિમાં બાળકને ઉપયોગી થાય એવાં બૅક્ટેરિયા હોય છે, જે સામાન્ય પ્રસવ વખતે બાળક ગળી જાય છે. સિઝેરિયનથી જન્મેલાં બાળકો આ પ્રાકૃતિક લાભથી વંચિત રહી જાય છે. પરંતુ આપણા દેશમાં તો સામાન્ય રીતે જન્મેલાં બાળકોના જીવન સામે બીજા અનેક ચેપોનું જોખમ રહે જ છે.ઓડિશાના ગરીબ પ્રદેશમાં સંશોધકોએ બાળકના જન્મ પછી એને શરૃઆતના બે-ચાર દિવસ આ બૅક્ટેરિયા આપવાનો પ્રયોગ કરી જોયો અને એમાં સેપ્સિસના ૪૨ ટકા કેસ ઓછા થઈ ગયા. પ્રયોગમાં સંશોધકને કે બાળકનાં માતાપિતાને ખબર નહોતી કે બાળકને બૅક્ટેરિયા અપાય છે કે ખાલી ડમી દવા. એમ માન્યું હતું કે પ્રયોગમાં ૨૦ ટકા સારાં પરિણામ મળશે પણ બમણાથીયે વધુ સફળતા મળતાં પ્રયોગ બંધ કરી દેવાયો કેમ કે બીજાં બાળકોને લાંબા વખત સુધી એનાથી વંચિત રાખવાં તે અન્યાય ગણાય. સામાન્ય રીતે જન્મ પછીના બીજા અઠવાડિયામાં સેપ્સિસને કારણે બાળકનું મૃત્યુ થતું હોય છે.આ પ્રક્રિયાને સિન્બાયોટિક કહે છે એમાં પ્રોબાયોટિક, એટલે કે આરોગ્ય માટે લાભકારી બૅક્ટેરિયા અને તેની સાથે પ્રીબાયોટિક કે જે બૅક્ટેરિયાની વૃદ્ધિ અને નિવાસ બનાવવામાં મદદ કરે છે, તેનું સંયોજન આપવામાં આવે છે.ભારત અને અમેરિકાના નેબ્રાસ્કા મૅડિકલ સેંટરના સંશોધકોએ ઓડિશાનાં ૧૪૯ ગામોમાં ગરીબ માતાઓને જન્મેલાં ૪,૫૫૦ બળકો પર આ પ્રયોગ કર્યો અને સફળતા મળી. આ સંશોધન લેખ 'નેચર' સામયિકમાં પણ છપાયો છે.