Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
નડિયાદ, પીજ તેમજ કેવડિયામાં બનેલા મારામારીના બનાવોમાં ૫ ઘાયલ
23/09/2020 00:09 AM Send-Mail
તાલુકા મથક નડિયાદ, વસો તાલુકાના પીજ તેમજ કપડવંજ તાલુકાના કેવડિયામાં નજીવી બાબતે મારામારીના બનેલા ત્રણ જુદા-જુદા બનાવોમાં પાંચને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગ જે તે પોલીસે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલ રોહિતવાસમાં રહેતાં નારણભાઈ સવાભાઈ મકવાણા રાત્રીના સમયે ઘર નજીક ખુલ્લી જગ્યામાં પેશાબ કરી ગંદકી કરતાં હોવાનો વ્હેમ રાખી તેમના પાડોશમાં રહેતાં નિલેશભાઈ કુબેરભાઈ (સિંહુજવાળા), વિજયભાઈ ગોવિંદભાઈ વાઘેલા, રાજેશભાઈ ગોવિંદભાઈ વાઘેલા અને જશીબેન ગોવિંદભાઈ વાઘેલાએ ભેગા મળી નારણભાઈ સાથે ગત તા.૮-૪-૨૦ ના રોજ વહેલી સવારના સમયે ઝઘડો કરી ચારેય જણાંએ ભેગા મળી નારણભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલી નારણભાઈની પુત્રી સુનિતાબેનને માર મારી ઈજા પહોંચાડી હતી. જો કે જે તે વખતે નારણભાઈ અને તેમની પુત્રીએ પાડોશીઓ સામે પોલીસમાં ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. પરંતુ પાડોશીઓ અવારનવાર નારણભાઈના ઘર આગળ કચરો ફેંકી ત્રાસ આપતાં હતાં. તેમજ અપશબ્દો બોલી અવારનવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં હોય આખરે સુનિતાબેન નારણભાઈ મકવાણાએ આજરોજ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ઉક્ત ચારેય વ્યક્તિઓ વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વસો તાલુકાના આથમણા પાસા પગી વગો વિસ્તારમાં રહેતાં કલ્પેશભાઈ કાંતીભાઈ તળપદા ગતરોજ બપોરના સમયે તેમના ઘર પાસે વીજ થાંભલો નંખાવતાં હતાં. તે વખતે તેમના ઘરની બાજુમાં રહેતાં સીતાબેન મોહનભાઈ તળપદાએ અમારી જમીનમાં તમે થાંભલો કેમ નાંખો છો કહી કલ્પેશભાઈને ઠપકો આપ્યો હતો. જેથી આ મુદ્દે તેઓ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બનતાં કલ્પેશભાઈનું ઉપરાણું લઈ સુરેશભાઈ રતીભાઈ તળપદા અને પરેશભાઈ નવઘણભાઈ તળપદા ત્યાં આવી ચડ્યાં હતાં અને ત્રણેય જણાં ભેગા મળી સીતાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. જો કે આટલું ઓછુ હોય તેમ ઉશ્કેરાયેલા કલ્પેશભાઈ ઘરમાં જઈ લાકડાંનો ડંડો લઈ આવ્યાં હતાં. અને સીતાબેનના મોઢા તેમજ છાતીના ભાગે ડંડા ફટકારી ઈજા પહોંચાડી હતી. તેમજ થાંભલો નાંખવા બાબતે કાંઈ બોલશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ પણ આપી હતી. જ્યારે કપડવંજ તાલુકાના કેવડિયા ગામમાં રહેતાં મણીભાઈ રેવાભાઈ રાઠોડ ગત રવિવારના રોજ બપોરના સમયે ઘરે હાજર હતાં તે વખતે તેમના પાડોશમાં રહેતાં ગણપતભાઈ માવજીભાઈ રાઠોડ એકાએક તેમના ઘરે આવી ચડ્યાં હતાં. અને મારા છોકરા તમારા ભાઈના ઘરે રમે છે તો તમે કેમ કાઢી મૂકો છો કહી મણીભાઈ સાથે ઝઘડો કરી ગણપતભાઈએ મણીભાઈ અને તેમના પુત્ર મૌલિકને લાકડી ફટકારી ઈજા પહોંચાડી હતી.