Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
નડીઆદમાં રીક્ષા ભાડાની તકરારમાં ચાલકે મુસાફરને ચપ્પુ મારતાં ગંભીર
રીક્ષાચાલક મનજૂરઅલી સૈયદે મુસાફરને ગડદાપાટુનો માર માર્યા બાદ ચપ્પાથી હુમલો કરી દેતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા : પોલીસે કરેલી અટકાયત
08/08/2020 00:08 AM Send-Mail
રીક્ષા ડ્રાઇવર મનજુર અલી રીઢો આરોપી
મળતી માહિતી મુજબ મનજુરઅલી રીઢો આરોપી છે. તે અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયો હતો, ટ્રેનમાંથી ચેન સ્નેચીંગ કરવા જતા તે પડી ગયો હતો જેના કારણે તેનો પગ પણ કપાવવો પડ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે ત્યારબાદ તેણે રીક્ષા ફેરીના વ્યવસાયમાં ઝંપલાવ્યુ હતુ, પરંતુ અહીં પણ તેણે આ ગંભીર ગુનાને અંજામ આપી વધુ એક ગુનો આચર્યો છે.

નડિયાદ શહેરમાં દિન દહાડે અસામાજીક તત્વોની દાદાગીરી વધી રહી છે. ખાસ કરીને રીક્ષા ચાલકો દ્વારા મારામારીના કેસો અવાર નવાર સામે આવતા હોય છે. આવી જ એક ઘટના શહેરના બોમ્બે રેસ્ટોરન્ટ પાસે બહાર આવી છે, જ્યા ભાડા તકરાર જેવી સામાન્ય બાબતમાં એક ઇસમને ગડદાપાટુનો માર માર્યા બાદ રીક્ષા ચાલકે ચપ્પુ મારી દેતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નડિયાદના કબ્રસ્તાન ચોકડી, ગંજ બજાર પાસે ઇસાદ નગરમાં ઇમ્તીયાજ મોગલબે મીરજા રહે છે. ગુરૂવાર સાંજના સમયે તેઓ મનજુર અલી સૈયદ નામના ઇસમની રીક્ષામાં કામ અર્થ બહાર ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ રીક્ષા ભાડા બાબતે ઇમ્તીયાજ અને મનજુરઅલી વચ્ચે બોલાચાલી થઇ હતી. શાબ્દિક બોલાચાલી થોડીવારમાં એટલી તો ઉગ્ર બની ગઇ હતી કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મનજુરઅલીએ ઇમતીયાજને પહેલા તો લાતો અને ગડદાપાટુનો માર માર્યો હતો, ત્યારબાદ પોતાની પાસે રહેલ ચપ્પા જેવા ધારદાર હથિયારથી ઇમ્તીયાજના જમણા હાથે અંગુઠાના ભાગે ચપ્પુ મારી દેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી આસપાસના લોકોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલ ઇમ્તીયાજને તુરંત નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેની ફરિયાદ લઇ કાયદેસર તપાસ હાથ ધરી છે. ઘટના સમયે જ સ્થાનિકોએ પોલીસને ફોન કરી દેતા પોલીસે તુરંત ઘટના સ્થળ પર પહોંચી મનજુરઅલી સૈયદની અટકાયત કરી લીધી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તેને કોર્ટમાં હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.