Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
દબાણ આગળ જિનપિંગ ઝુક્યા, કોરોનાની ઉત્પત્તિની તપાસ કરવા ચીન જશે ડબલ્યુએચઓની ટીમ
09/07/2020 00:07 AM Send-Mail
ચીને બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની એક ટીમને કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ કરવા દેશની મુલાકાત કરવા માટેની મંજુરી આપવા સહમતિ વ્યક્ત કરી દીધી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસનો પહેલો કેસ ચીનના વુહાનથી મળ્યો હતો. અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી અલગ થવાના નિર્ણયની ચીને આલોચના કરતા કહ્યું હતુ કે, આ એક વધુ ઉદાહરણ છે જ્યારે અમેરિકાએ એકતરફી પગલું ભર્યું છે.

ચીને કોવિડ-૧૯ની વિરૂધ્ધ વૈશ્વિક પ્રયાસો માટે ડબલ્યુએચઓનો બચાવ પણ કર્યો હતો. કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ, તેની તપાસ કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોની એક ટીમ પણ ચીનની મુલાકાત લેનાર છે. ટ્રંપ પ્રશાસને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે તમામ સંબંધ તોડતા આ સંસ્થામાંથી અમેરિકા બહાર નીકળી ગયાના નિર્ણય અંગે સંયુક્ત રાષ્ટ્રને ઔપચારિક રીતે અવગત પણ કરાવી દીધું છે.

અમેરિકાએ ગયા વર્ષે ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને લઈને ડબલ્યુએચઓ પર બીજિંગનો પક્ષ લેવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વને ગુમરાહ કર્યું છે, જેના કારણે દુનિયાભરમાં પાંચ લાખ લોકોના મોત થયા છે. તેમાંથી ૧.૩૦ લાખ એકલા અમેરિકા મોત થયા છે. ડબલ્યુએચઓની ટીમના ચીનની મુલાકાતને લઈને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાનએ કહ્યું કે, વાયરસના સ્ત્રોતની તપાસ માટે ટીમે અન્ય દેશોની પણ મુલાકાત લેવી જોઈએ.