Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
કેન્દ્રીય કેબિનેટના મહત્વપૂર્ણ નિર્ણયો
ઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર સુધી ગેસ સિલિન્ડર મફત
૪ કરોડ ગ્રાહકોને થશે ફાયદો : ગરીબ કલ્યાણ અન્ન યોજના ૩ મહિના માટે લંબાવાઇ : ઓરિએન્ટલ, નેશનલ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીમાં ૧૨૪૫૦ કરોડના કેપિટલ રોકાણની મંજૂરી : ઇપીએફ શેરિંગ જૂનથી ઓગસ્ટ સુધી વધારાયું
09/07/2020 00:07 AM Send-Mail
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આ અંતર્ગત ૮૧ કરોડ લોકોને ૨૦૩ લાખ ટન અનાજ આપવામાં આવશે. વ્યક્તિ દીઠ ૨૫ કિલો અનાજ અને પાંચ કિલો ચણા મફત મળશે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં ગરીબોને ૧૨૦ લાખ ટન અનાજ વહેંચવામાં આવ્યું.

કેબિનેટમાં લેવાયેલ અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો અંતર્ગત ઉજ્જવલા યોજના અંતર્ગત મળનાર ત્રણ સિલિન્ડરોની અવધિ ૪ જૂનથી વધારીને સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. તેમાં રૂા. ૧૩૫૦૦ કરોડનો ખર્ચ આવશે. તેનો લાભ ૪ કરોડ ગરીબ મહિલાઓને મળશે.

તદુપરાંત કેબિનેટે ઇપીએફ શેરિંગ ૨૪ ટકા (૧૨ ટકા કર્મચારી અને ૧૨ ટકા સંસ્થા તરફથી)ને વધુ ૩ મહિના જૂનથી ઓગસ્ટ સુધી વધારવાને મંજૂરી આપી દીધી છે. તેમાં કુલ અંદાજિત ખર્ચ રૂા. ૪૮૬૦ કરોડ આવશે. તેનાથી ૭૨ લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. કેબિનેટે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિ., નેશનલ ઇન્શ્યોરન્સ લિ. અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શોયરન્સ કંપની લિ. માટે રૂા. ૧૨૪૫૦ કરોડના કેપિટલ રોકાણને પણ લીલીઝંડી આપી છે. તેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કરવામાં આવેલ રૂા. ૨૫૦૦ કરોડનં રોકાણ પણ સામેલ છે. આ ઉપરાંત કેબિનેટના વધુ એક નિર્ણય અંતર્ગત શહેરી પ્રવાસીઓ માટે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત બનેલા નાના ફ્લેટ પ્રવાસી મજૂરો અને ગરીબોને ભાડે આપવાની મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. સરકારની યોજના અંતર્ગત દેશના વિભિન્ન શહેરોમાં સરકારના આર્થિક સહયોગથી બનેલા નાના ફ્લેટ-આવાસ ભાડે આપવામાં આવશે. સરકારે ખેતી ક્ષેત્રમાં ઇન્ફ્રા, લોજિસ્ટિક્સને બહેતર બનાવવા માટે રૂા. ૧ લાખના ફંડને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ દરમિયાન તમામ મંત્રીઓએ ફેસ માસ્ક પણ પહેરી રાખ્યા હતાં અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું હતું.