Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ, ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ
ખંભાળિયા અને કલ્યાણપુરમાં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો
09/07/2020 00:07 AM Send-Mail
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જોર ધીમું પડયું છે. રાજ્યમાં આજે સવારે ૭ વાગ્યા બાદ ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના માળિયામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં ૮ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ ૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા ૧૨ ઇંચ વરસાદ અને દ્વારકામાં ૨૫ ઈંચ વરસાદ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. છેલ્લા બે કલાકથી કોઈ પણ તાલુકામાં વરસાદના સમાચાર નથી આવ્યા. અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૃ થયા છે. મેઘરાજાએ વિરામ લેતા રાવલ પંથકમાં પણ પાણી ઓસરવાના શરૃ થયા છે. જો મેઘરાજા ખમૈયા કરે તો ફરી જન જીવન ધબકતું થશે. પરંતુ જિલ્લામાં સૂસવાટા મારતા પવનની માત્રા યથાવત છે.અરવલ્લીમાં પ્રથમ વરસાદમાં જિલ્લાના હાઇવે રસ્તાઓ તૂટયા છે. માલપુર ચાર રસ્તા ઉપર રોડમાં એક એક ફૂટના ખાડા પડયા છે. ગોધરા તરફ જતા આ મુખ્ય રસ્તામાં ખાડા પાડતા વાહન ચાલકો પરેશાન થયા છે. રોડમાં પડેલા ખાડાથી અકસ્માત થવાની ભીતિથી વાહન ચાલકોમાં ડર વ્યાપી ગયો છે. એલ એન્ડ ટી દ્વારા થોડા સમય અગાઉ જ રીપેરિંગ કરાયું હતું. પરંતુ પ્રથમ વરસાદમાં રોડ તૂટતા માલપુરના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

અમરેલીમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો જીવાદોરી સમો ઘાતરવડી-૧ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીરના વધામણાં કરવામા આવ્યા હતા. રાજુલાના અગ્રણી રવુભાઈ ખુમાણ દ્વારા ઘાતરવડી ડેમમાં ચુંદડી, ચોખા, ફૂલ અને નાળિયેર પધરાવવામાં આવ્યું છે. આસપાસના ૨૦ ગામોને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છવાઈ છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના ૭ જિલ્લાના કુલ ૯૦ રસ્તા બ્લોક થયા છે. જેમાં સૌથી વધુ ૩૪ રસ્તા દેવભૂમિ દ્વારકાના છે. જ્યારે જામનગરમાં ૧૮ રસ્તા ભારે વરસાદ, નદીઓના પૂરના કારણે બંધ થયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના સાત જિલ્લા ભુજ, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં રસ્તાઓ બ્લોક થયા છે. જે રસ્તાઓ બંધ થયા છે. તેમાં ૧૨ સ્ટેટ હાઈવે, ૩ અન્ય માર્ગો, ૭૫ પંચાયતના રસ્તાઓ બંધ થયા છે.