Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ભાજપી નેતા વસીમ બારીની હત્યા
આતંકી હુમલામાં ભાજપી નેતાના પિતા,ભાઇનું મોત, તમામ ૮ સુરક્ષાકર્મી ગિરફતાર
09/07/2020 00:07 AM Send-Mail
પૂંછમાં પાકિસ્તાનની સેનાએ ગોળીબાર કરતાં વૃદ્ઘ મહિલાનું મોત : જૂન મહિનામાં ૪૧૧ વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ
પાકિસ્તાન સેનાએ બુધવારે લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) આજુબાજુ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ૬૫ વર્ષની એક મહિલાનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. એલઓસી પાસે પુંછ જિલ્લામાં બાલાકોટ સેક્ટરના ગામોમાં પાકિસ્તાનની સેના તરફથી બપોરના સમયે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે વૃદ્ઘ મહિલા રેશમ બી અને હાકમ બીને ગોળી વાગી હતી. રેશમનું મોત થયું હતુ.ં ભારતીય સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘનનો જવાબ આપ્યો હતો. આશરે ૪૫ મિનિટ બાદ પાકિસ્તાને ફાયરિંગ બંધ કરી દીધું હતું. મંધેરના આરોગ્ય અધિકારી ડોક્ટર પરવેઝે જણાવ્યું હતું કે ફાયરિંગ એટલું વધારે પ્રમાણમાં થઇ રહ્યું હતું કે અમારે ઇજાગ્રસ્તને હોસ્પિટલ લાવવા માટે ૮ એમ્બ્યુલન્સ મોકલવી પડી હતી. ચાલુ વર્ષે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન વધ્યું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આ વર્ષે પાકિસ્તાન તરપથી સીઝફાયર વોયલેશનની ઘટનાઓમાં વધારો થયો છે. જૂન મહિનામાં પાકિસ્તાને ૪૧૧ વખત ઉલ્લંઘન કર્યું છે. આ વર્ષ ૨૩૦૦ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે તેની સંખ્યા ૩૧૬૮ અને વર્ષ ૨૦૧૮માં ૧૬૨૯ હતી.

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા વસીમ બારીની હત્યા કરી હતી. આતંકવાદીઓએ વસીમ બારી સહિત તેમના પિતા અને ભાઇ ઉપર પણ ગોળીબારી કરી હતી. જેમાં ત્રણેયના મોત નીપજયા હતા.

ભાજપી નેતા પોતાના પિતા અને ભાઇ સાથે દુકાન પર હતા તે સમયે આતંકીઓએ હૂમલો કરીને ગોળીબાર કર્યો હતો. કાશ્મીરના આઇજીએ કહ્યું હતું કે, નેતાના પરિવારને ૮ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે. પરંતુ ઘટના સમયે એકપણ સુરક્ષાકર્મી હાજર ન હતો. ઘર અને દુકાન બંને એકસાથે છે. પીએસઓને પ્રથમ માળે બેસવાની મંજૂરી હતી. ભાજપી નેતાના બંદોબસ્તમાં મૂકાયેલા તમામ ૮ સુરક્ષાકર્મીઓને ગિરફતાર કરવામાં આવ્યા છે.

ભાજપી નેતા વસીમ બારીની સાથે તેમના ભાઇ ઉમર સુલતાન અને પિતા બશીર અહેમદ શેખની આતંકીઓએ હત્યા કરી હતી. જાણકારીનુસાર બુધવારે રાત્રે લગભગ ૯ વાગ્યે આતંકીઓએ જિલ્લા ભાજપ અધ્યક્ષ વસીમ બારીની દુકાન ઉપર બહારથી ગોળીબાર કર્યો હતો. જેમાં ઉમર સુલ્તાન અને પિતા બશીર શેખ ગંભીર ઘાયલ થયા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં તેઓનું મોત નીપજયું હતું. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આંતકીઓએ સરપંચ અજય પંડિતાની ગોળી મારીને હત્યા કરી હતી. લશ્કર એ તૌયબા સાથે જોડાયેલ સંગઠન રેજીસ્ટેસ ફ્રન્ટે આ હત્યાની જવાબદારી લીધી હતી. અજય પંડિતાનો સંપર્ક કોંગ્રેસ સાથે હતો. હત્યા બાદ ઘાટીમાં સુરક્ષા મામલે પુન:સવાલો સર્જાયા છે.