Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
પાંડવણીયા : ખેતરમાં ખાડો ખોદી સંતાડેલી વિદેશી દારૂની ૧૩ બોટલો પકડાઈ
09/07/2020 00:07 AM Send-Mail
ઉમરેઠ તાલુકાના ભાટપુરામાં આવેલ દલાપુરા વિસ્તારમાં રહેતાં વિષ્ણુભાઈ રાવજીભાઈ પરમાર અને તેમનો પુત્ર ગૌતમ પરમાર ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામની સીમમાં કુંભા તળાવ નજીક આવેલ પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતાં હોવાની માહિતી ડાકોર પોલીસને મળી હતી.

જેથી પોલીસની ટીમે ગતરોજ બપોરના સમયે દરોડો પાડ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી તે વખતે કોઈ વ્યક્તિ ખેતરમાં હાજર ન હતું. જેથી પોલીસે બાજરીના કાપેલા પાકવાળા ખેતરમાં તલાશી લેતાં તેમાં એક ઠેકાણે ખાડો કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જે જગ્યા પર માટી ખસેડી ખાડો ખોદતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૩ નંગ બોટલો કિંમત રૂ.૬૫૦૦ ની મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી ખેતર માલિક વિષ્ણુભાઈ રાવજીભાઈ પરમાર અને તેમના પુત્ર ગૌતમભાઈ વિષ્ણુભાઈ પરમાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે આણંદ જિલ્લાની ઉમરેઠ પોલીસે ગત મંગળવારના રોજ વિષ્ણુભાઈ રાવજીભાઈ પરમારના ભાટપુરા ખાતેના ઘરે દરોડો પાડી તેના ઘર આગળ જમીનમાં ખાડો ખોદી સંતાડેલી ભારતીય બનાવટની ૫૦ નંગ બોટલો કિંમત રૂ.૨૫ હજારના જથ્થા સાથે વિષ્ણુભાઈ પરમારના પુત્ર ગૌતમને ઝડપી પાડ્યો હતો.