Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
કપડવંજ પંથકમાં બનેલા મારામારીના બે બનાવોમાં બે વ્યક્તિઓ ઘાયલ
09/07/2020 00:07 AM Send-Mail
કપડવંજ તાલુકાના ખુમજીના મુવાડા તેમજ વડાલીમાં નજીવી બાબતે મારામારીના બનાવો બન્યાં હોવાની ફરિયાદ કપડવંજ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ બંને બનાવોમાં એક-એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના ભુતીયા તાબે ખુમજીના મુવાડામાં રહેતાં સંદિપભાઈ બાબુભાઈ ઝાલાના મોટાભાઈ મહેન્દ્રભાઈને દશેક દિવસ અગાઉ ગામમાં જ રહેતાં જશવંતભાઈ બીજલભાઈ ચૌહાણ અને તેની માતા કમળાબેન બીજલભાઈ ચૌહાણ સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જો કે જે તે વખતે ઝઘડો શાંત પડી જતાં મહેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ આપી ન હતી. જે બાદ ગત શનિવારના રોજ સંદિપભાઈ ઝાલા ખેતરથી ઘર તરફ જતાં હતાં. દરમિયાન તેઓ રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં જશવંતભાઈ ચૌહાણના ઘર આગળથી પસાર થતાં હતાં. તે વખતે જશવંતભાઈ ચૌહાણ અને તેમની માતા કમળાબેને ગમેતેમ અપશબ્દો બોલી સંદિપ ઝાલા સાથે ઝઘડો કર્યો હતો. અને બંને જણાં ભેગા મળી સંદિપ ઝાલાને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા જશવંતભાઈ ચૌહાણ ઘરમાંથી તલવાર લઈ આવ્યાં હતાં. અને સંદિપભાઈના માથાના ભાગમાં તલવારનો ઝાટકો મારી ઈજા પહોંચાડી હતી.

કપડવંજ તાલુકાના વડાલીમાં રહેતાં કૈલાશબેન જગદીશભાઈ પટેલને ગત તા.૨૫-૬-૨૦ ના રોજ વાસીદુ નાંખવા બાબતે તેમના પાડોશમાં રહેતાં પરિવાર સાથે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા પાડોશી ભરતભાઈ નરસિંહભાઈ પટેલ, કલ્પેશભાઈ નરસિંહભાઈ પટેલ અને ભાવનાબેન કલ્પેશભાઈ પટેલે ભેગા મળી કૈલાશબેનને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.