Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
તારાપુર : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો બનાવટી ભલામણપત્ર બનાવી આપતાં ફરિયાદ
09/07/2020 00:07 AM Send-Mail
તારાપુર ખાતે કાર્યરત સીતારામ ખાદી ગ્રામોદ્યોગને બનાવટી ભલામણ પત્ર લખી આપનાર નિવૃત્ત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આણંદના જનરલ મેનેજર અને નાયબ કમિશનર વિરૂધ્ધ તારાપુર પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી ઘનશ્યામભાઈ ચુનીલાલ ઠક્કરનો પુત્ર કલ્પેશભાઈ તારાપુરમા ખાદી ગ્રોમોદ્યોગ ટ્રસ્ટ ચલાવે છે. જેથી ઘનશ્યામભાઈ અવાર-નવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસે આવતા-જતા હોય તે સમયે જનરલ મેનેજર અને નાયબ કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ફરજ બજાવતા પ્રકાશભાઈ હરીશચન્દ્ર મલિક સાથે મિત્રતા થયેલી. તેઓ સને ૨૦૧૬માં નિવૃત્ત થઈ ગયા બાદ ઘનશ્યામના સંપર્કમાં આવતાં તેઓએ ભારત સરકારની ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી એક સ્કીમ કેરલાના કોચી બોર્ડ દ્વારા અમલી બનાવી છે અને તેમાં ગરીબ મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગને લગતુ ઉત્પાદન કરવાનું હોય છે. તેમાં ૯ ટકા સબસીડી મળે છે. જેથી તેમની સલાહ મુજબ સીતારામ સ્ફુર્તી ક્લસ્ટર ટ્રસ્ટ બનાવ્યું હતુ અને તમામ કાગળીયાઓ પ્રકાશભાઈ મલિકે કર્યા હતા.

શરૂઆતમાં કોચી બોર્ડ દ્વારા નાણાં ખાતામાં જમા કરાવ્યા હતા. જેમાંથી અમુક રકમ ઉપાડ્યા બાદ બીજી રકમ ઉપાડવા જતાં આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે ભલામણ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો તે બનાવટી હોવાનું ખુલવા પામતાં નાણાં ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરતાં પ્રકાશભાઈ મલિકે જ સીતારામ સ્ફુર્તી ક્લસ્ટર ટ્રસ્ટની સ્કીમની દરખાસ્ત મંજૂર થવા માટે બનાવટી પત્ર તૈયાર કર્યો હોવાનું બહાર આવતાં તારાપુર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.