Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
નડિયાદ સિવિલમાંથી પરત ઘરે મોકલાયેલ દર્દીનો અમદાવાદમાં કોરોના પોઝિટિવ
કોરોના ટેસ્ટ કરાવવા આવેલ આધેડને ન્યુમોનિયાનો ટેસ્ટ કરીને ઘરે મોકલી દીધા હતા : દર્દીએ અમદાવાદમાં ટેસ્ટ કરાવતા પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ, બેને ન્યુમોનિયા આવ્યો : પરિવારના ૮માંથી ૬ સભ્યો હોસ્પિટલમાં તથા ર સ્વયંભૂ હોમ કવોરેન્ટાઇન થયા
09/07/2020 00:07 AM Send-Mail
સિવિલ સર્જનનો ઉડાઉ જવાબ, જે તે સમયે જરૂર નહીં લાગી હોય એટલે કોરોના ટેસ્ટ નહીં કર્યો હોય...
સમગ્ર બાબતે નડિયાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તૃપ્તિબેન શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડ લાઇન મુજબ હોસ્પિટલમાં કામગીરી કરવામાં આવે છે. જ્યારે રાજેશભાઇ સિવિલમાં બતાવવા માટે આવ્યા ત્યારે જરૂર નહીં લાગી હોય તેથી તેમનો કોરોના ટેસ્ટ નહીં કરાવ્યો હોય. પરંતુ તેમની પાસે એક ફોર્મ ભરાવ્યુ હશે જેમાં ઉલ્લેખ હશે કે તબીયત વધારે ખરાબ થાય તો સિવિલ હોસ્પિટલમાં આવી કોરોના ટેસ્ટ કરાવી લેવો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો આ જવાબ પરથી એવુ કહી શકાય કે ‘જ્યારે તમારા ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવુ’ તેવી સરકારની ગાઇડ લાઇન છે...

નડિયાદ શહેરમાં કોરોનાના ઓછા કેસો બતાવવા માટે સરકારી સિવિલ હોસ્પિટલ આંકડાઓ સાથે રમત રમી રહ્યાની પોલ ખુલ્લી થવા પામી છે. શહેરના નાના કુંભનાથ રોડ પર રહેતા શાહ પરિવારના સભ્યને કોરોનાનો ટેસ્ટ કરવાના બદલે વાયરલ ફીવર અને ન્યુમોનિયા થયો હોવાનું જણાવીને સિવિલમાંથી ઘરે મોકલી દેવાયા હતા. બાદમાં પરિવારના સભ્યને વધારે તકલીફ થતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારના એક સભ્યને કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય સભ્યોએ પણ ટેસ્ટ કરાવતા ચાર સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે તમામ હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ પર શાહ પરિવાર રહે છે. પરિવારના ૬૪ વર્ષીય મોભીને ગત તા.૨૫ જૂનના રોજ તાવ જેવુ લાગતા તેઓ સુરુચી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં તેઓને બે દિવસની દવા આપી આરામ કરવા ડોક્ટરે સલાહ આપી હતી. પરંતુ ૨૮ જૂન સુધી તબિયતમાં સુધારો નહીં થતા ફરી સુરૂચી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેઓને તા.૨૯ જૂન સુધી સારવાર આપીને વાયરલ ઇન્ફેક્શન છે, ધીરે ધીરે આવી જશે તેમ કહી રજા આપવામાં આવી હતી.

પરંતુ તા.૩ જુલાઇ સુધી ૬૪ વર્ષીય વૃધ્ધની તબિયતમાં સુધારો નહીં આવતા તેઓ ફરીથી સૂરુચી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે તેઓને સિવિલ હોસ્પિટલમાં જઇ કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. જેથી પરિવારના સભ્યો નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોચીનેે કેેસ કઢાવ્યા બાદ તેઓના બ્લડ ટેસ્ટ તેમજ એક્સ-રે કરાવવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટ આવતા તેઓને દવા આપી ઘરે આરામ કરવા જણાવ્યુ હતુ. વૃધ્ધના પરિવાર તરફથી તેઓનો કોરોના ટેસ્ટ કરાવવા સામેથી તૈયારી બતાવી હોવા છતા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેઓને કોઇ લક્ષણો દેખાતા નથી, તેમ કહી ઘરે આરામ કરવાનું જણાવી ઘરે મોકલી દીધા હતા. પરંતુ તા.૩ જુલાઇની રાત્રે વૃધ્ધની તબિયત વધારે લથડતા તેઓને ૪ જુલાઇની સવારે જીસીએસ હોસ્પિટલ, અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૬૪ વર્ષીય વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વૃધ્ધના ૬૨ વર્ષીય પત્ની અને ૨૫ વર્ષીય દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ૪ જુલાઇ સુધી તેઓની સારવારમાં ઘણું મોડું થઇ ગયું હોઇ તેઓને હાલ ઓક્સિજન પર રાખવામાં આવેલ હોવાનું પરિવારના સભ્યો જણાવી રહ્યા છે. જોકે આ ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે રહેતા અન્ય ત્રણ પરિજનોના પણ તાત્કાલિક તા.૬ જુલાઇના રોજ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં ૬૭ વર્ષીય મહિલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા એક જ પરિવારના ચાર વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યુ હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. જો કે હજુ પણ પરિવારના ૨ સભ્યોને રિપોર્ટમાં ન્યુમોનિયા આવ્યો છે. જેેથી કુલ ૬ દર્દીઓને અમદાવાદની જીસીએસ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ છ સભ્યોમાંથી ૩ સભ્યોની હાલત નાજુક હોઇ તેઓ હાલ ઓક્સિજન પર છે. પરિવારના સભ્યો રોષ પૂર્વક જણાવ્યું હતું કે, જો નડિયાદ સિવિલમાં જ પરીવારના મોભીનો કોરોના ટેસ્ટ કરાવી લીધો હોત તો, પરિવારના સભ્યોને સમયસર સારવાર મળી શકી હોત. સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે જ હાલ ચારમાંથી ત્રણ સભ્યો ઓક્સિજન પર જીવન ટકી રહ્યું છે.