Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
ચલાલી તેમજ કઠલાલમાં મારામારીના બે બનાવોમાં બેને ઈજા
08/07/2020 00:07 AM Send-Mail
કઠલાલ તેમજ નડિયાદ તાલુકાના ચલાલીમાં નજીવી બાબતે મારામારીના બનાવો બન્યાં હતાં. આ બંને બનાવોમાં એક-એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના ચલાલી તાબે નવાનગરમાં રહેતાં દલપતભાઈ જેણાભાઈ પરમાર ગત રવિવારના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં જમી પરવારી ઘર બહાર ઊભા હતાં. ત્યારે પાડોશમાં રહેતાં કલ્પેશભાઈ બુધાભાઈ પરમાર, જીતુભાઈ બુધાભાઈ પરમાર, કમલેશભાઈ રમેશભાઈ પરમાર અને ગોવિંદભાઈ રમેશભાઈ પરમારે એકાએક દલપતભાઈને ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં અને તમારા ઘર આગળથી અમે નીકળીએ છીએ તો તમે કેમ બોલો છો, તેમજ અમારા ઘર બાજુ કચરો કેમ વાળો છો તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બનતાં ચારેય જણાં ભેગા મળી દલપતભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. તેમજ કલ્પેશભાઈએ હાથમાંની લાકડી દલપતભાઈના કાંડાના ભાગે ફટકારી ઈજા પહોંચાડી હતી.

કઠલાલમાં આવેલ ભાગ્યલ-મી સોસાયટીમાં રહેતાં મિતેશભાઈ રામુભાઈ પટેલ ગામની ડેરી પાછળ પોતાની કરિયાણાની દુકાન ધરાવે છે. ગતરોજ બપોરના સમયે તેઓ દુકાનમાં હાજર હતાં. ત્યારે બાજુમાં આવેલ બે દુકાનદારો વચ્ચે સ્ટેન્ડ હટાવવા બાબતે ઝઘડો થયો હતો. આ બાબતે મિતેશભાઈ રામુભાઈ પટેલે ચઢામણી કરી હોવાનું લાગતાં મોબાઈલની દુકાન ધરાવતાં કિરણભાઈ પુનમભાઈ શર્માએ ગમેતેમ અપશબ્દો બોલી મિનેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો. અને ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.