Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
નડિયાદ : એક્સપ્રેસ વે ટોલ નજીક ટ્રકમાં ડસ્ટ ભરેલ કોથળાઓની આડમાં લવાયેલો ૧૬.૩૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
રાજસ્થાનના બે શખ્સો ઝડપાયાં : ૩૩૨ પેટી વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂપિયા : ૩૧.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
08/07/2020 00:07 AM Send-Mail
દારૂ ભરેલ ટ્રકનું પાયલોટીંગ કરનાર બુટલેગર પોલીસ પકડથી દૂર
ટ્રકમાંથી મળી આવેલ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવી ક્યાં પહોંચાડવાનો હતો...? તે બાબતે પોલીસે ધરમસિંહ જવાહરસિંહ ગેહલોત અને દિનેશભાઈ થાનારામ વિશ્નોઈની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી પુષ્પમિત્ર મનમોહન શર્મા (રહે.કમલા નહેરૂ નગર,જોધપુર,રાજસ્થાન) એ ટ્રકમાં ભરાવ્યો હતો. અને તે સફેદ કલરની આઈ-૨૦ ગાડી ન.ં આરજે-૨૭, સીએફ-૬૮૮૫માં ટ્રકની આગળ પાયલોટીંગ કરતો હતો. અને તે જ્યાં કહે ત્યાં આ દારૂ આપવાનો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે દારૂ ભરેલી ટ્રક આગળ પાયલોટીંગ કરનાર પુષ્પમિત્ર મનમોહન શર્મા સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેડા જિલ્લા એલસીબી પોલીસે ગતરાત્રીના સમયે નડિયાદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવે ડાકોર તરફના ટોલ પાસે વોચ ગોઠવી ટ્રકમાંથી રૂ.૧૬.૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક અને ટ્રક ક્લિનરની અટકાયત કરી હતી. પોલીસે વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ.૩૧.૪૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન હરિયાણાથી ટ્રકમાં દારૂ ભરી મોકલનાર ઈસમ ટ્રકની આગળ ગાડીમાં પાયલોટીંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા બે ઈસમો તેમજ પાયલોટીંગ કરનાર બુટલેગર મળી કુલ ત્રણ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગત રાત્રીના સમયે નડિયાદ ટાઉન પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસની ટીમને એવી માહિતી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક નં. આરજે-૧૯, જીએ-૪૨૦૧ નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પરથી ડાકોરના તરફના ટોલમાંથી બહાર નીકળનાર છે. જેથી પોલીસની ટીમે તાત્કાલિક એક્સપ્રેસ હાઈવે ડાકોર તરફના ટોલ નજીક પહોંચી વોચ ગોઠવી હતી. દરમિયાન ઉક્ત વર્ણનવાળી ટ્રક ડાકોર તરફનો ટોલ પસાર કરી આવતાં પોલીસે તેને રોકી હતી. અને ટ્રકના ચાલક ધરમસિંહ જવાહરસિંહ ગેહલોત (રહે. આત્રી, તા.કુંભલગઢ, રાજસ્થાન) અને ટ્રકના ક્લિનર દિનેશભાઈ થાનારામ વિશ્નોઈ (રહે. બિડાસની, તા.લુણી, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. અને ટ્રકમાં લઈ જવાતા સામાન બાબતે પૂછપરછ કરતાં તેઓએ ટ્રકમાં વિદેશી દારૂની પેટીઓ હોવાની કબૂલાત કરી હતી. રાત્રી તેમજ વરસાદી માહોલ હોઈ પોલીસને સ્થળ પર ગણતરી કરવાનું અયોગ્ય લાગતાં ટ્રકને એસઓજી ડભાણ કેમ્પ હાઉસ લઈ જવાઈ હતી.

જ્યાં કમ્પાઉન્ડમાં ટ્રક ઉપર બાંધેલ મિણીયું હટાવતાં તેમાં zડસ્ટ ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ નજરે પડી હતી. આ કોથળીઓની પાછળ પુંઠાના બોક્સમાં ભારતીય બનાવટનો જથ્થો સંતાડેલો હતો. પોલીસે દારૂનો જથ્થો ટ્રકમાંથી ઉતારી ગણતરી કરતાં મેકડોવેલ્સ નં ૧ સુપરીયર વ્હીસ્કીની ૨૪૦ પેટી, કિંમત રૂ.૧૧,૫૨,૦૦૦, રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હીસ્કીની ૫૯ પેટી, કિંમત રૂ.૨,૮૩,૨૦૦ અને રોયલ સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કીની ૩૩ પેટી, કિંમત રૂ.૧,૯૮,૦૦૦ મળી કુલ રૂ.૧૬,૩૩,૨૦૦ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટ્રક, બે મોબાઈલ, મીણીયું, તેમજ અંગજડતીમાંથી રૂ.૧૩૫૦ મળી કુલ રૂ.૩૧,૪૪,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને વિદેશી દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા ધરમસિંહ જવાહરસિંહ ગેહલોત અને દિનેશભાઈ થાનારામ વિશ્નોઈ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.