Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
ડાકોર ચોકડી પર માસ્કના ચેકિંગ દરમ્યાન ચાલુ કારમાં દારૂની પાર્ટી કરતા બે ઝડપાયા
કારમાં હાજર મહિલાએ મોબાઇલ વીડિયો ઉતારતા વ્યકિતને દારૂનો ગ્લાસ બતાવીને કહ્યુ ‘લો તમે પણ પીઓ’ !
08/07/2020 00:07 AM Send-Mail
દારૂની પાર્ટી કરતા ઝડપાયેલ ઇસમો અમદાવાદના ઉદ્યોગપતિના નબીરા?
પોલીસે ચાલુ કારમાં દારૂની પાર્ટી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. જે બંને સાથે કારમાં એક મહિલા અને નાનુ બાળક હોવા છતા તેઓ દારૂની પાર્ટી કરી રહ્યા હતા. જોકે આ લોકોએ પ્રાથમિક પૂછપરછમાં પોતે અમદાવાદના કોઇ ઉદ્યોગપતિના દીકરા હોવાનું જણાવી રહ્યા છે. જોકે તેઓ પોતાનું નામ કે ઓળખ આપી રહ્યા નથી, અને પોલીસ સામે દાદાગીરી કરી રહ્યા હોઇ પોલીસે પણ ચતુરાઈપૂર્વક તેઓની પૂછપરછ હાથ ધરી છે.

કોરોના સંક્રમણના વધી રહેલા કેસોેને લઇ ચાલી રહેલ માસ્ક ચેકિંગ દરમ્યાન ચાલુ કારે દારૂ પીતા ઇસમો ડાકોર પાસેથી ઝડપાયા છે. ડાકોર પોલીસ આજે સાંજના સમયે ચાર રસ્તા પર માસ્કના ચેકિંગમાં હતી, દરમ્યાન ઠાસરા પાસેથી આવી રહેલી ઇકો કારને રોકી તેને ચેક કરતા ચાલુ કારે દારૂની પાર્ટી કરતા બે ઇસમો ઝડપાયા હતા. મહત્વની વાત છે કે આ કારમાં એક મહિલા અને નાનું બાળક પણ હતું, જેની હાજરીમાં બંને ઇસમો દારૂ પી રહ્યા હતા.

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોેને લઇ જિલ્લા પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જે અનુસંધાને આજે સાંજના સમયે ડાકોર પોલીસ ઠાસરા, કપડવંજ ચોકડી પર ચેકિંગમાં હતી. તે સમયે ઠાસરા પાસેથી જીજે.૦૧, આરબી-૬૨૭૨ નંબરની એક કાર આવી હતી. જેમાં ચારથી વધુ લોકો સવાર હોવા છતા ચાલકે માસ્ક પહેરેલ ન હતું. જેથી પોલીસે કાર ઊભી રખાવી માસ્ક નહી પહેરવાનો દંડ ભરવા જણાવ્યું હતું. પોલીસે કાર ઊભી રખાવતા જ નસામાં ધુત કાર ચાલક અને તેની સાથેના ઇસમે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જેથી પોલીસે બંને ઇસમોને પોલીસ ચોકીમાં લઇ જતા ઇસમોએ દારૂની બોટલ અને ગ્લાસ રસ્તા પર ફેકી પુરાવાનો નાસ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એક ઇસમે તો ટ્રાફિક ચોકીના ટેબલ પર માથુ પછાડતા ટેબલ પરનો કાચ પણ તૂટી ગયો હતો. જોકે આરોપીઓની હરકત જોઇને જ હાજર વ્યક્તિઓ દ્વારા તેમનું મોબાઇલ વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધુ હતું. જે દરમ્યાન કારમાં હાજર મહિલાએ મોબાઇલ ઉતારી રહેલ વ્યક્તિને દારૂનો ગ્લાસ બતાવી બિન્દાસ ‘લો તમે પણ પીઓ’ કહી દારૂની ઓફર કરી હતી. જોકે આ લખાઇ રહ્યું છે ત્યા સુધી પોલીસે કારમાં દારૂની પાર્ટી કરી રહેલ બંને ઇસમોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.