Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
ખુંટજમાં માટીના ઢગલા પરથી ટ્રેક્ટર લઈ જવા બાબતે યુવકની ગળુ દબાવીને હત્યા
માટીનો ઢગલો તૂટ્યા બાબતે રિઝવાન વ્હોરા અને સિકંદર મલેક વચ્ચે ગાળાગાળી, મારામારી થઈ હતી : કાકાને છોડાવવા વચ્ચે પડેલા ઈકબાલને માર મારી, ગળું દબાવીને હત્યા કરાયાની ફરિયાદ
08/07/2020 00:07 AM Send-Mail
ઉશ્કેરાયેલા ટોળાએ ઘર પર પથ્થરમારો કર્યો હોવાની સામે પક્ષે ફરિયાદ
આ બનાવમાં સામે પક્ષે સલમાબેન સિરાજભાઈ વ્હોરાએ મહુધા પોલીસ મથકમાં મરણ જનાર ઈકબાલભાઈ જેણાભાઈ મલેક સહિત કુલ દશ વ્યક્તિઓ સામે ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યુ છે કે માટીનો ઢગલો તૂટવા મુદ્દે થયેલા ઝઘડામાં સીકંદરભાઈ મલેક અને તેમના ભત્રીજા ઈકબાલભાઈ મલેકે ઉશ્કેરાઈ જઈ ગમેતેમ અપશબ્દો બોલી રિઝવાન વ્હોરા અને સીરાજભાઈ વ્હોરા પર લાકડીથી હુમલો કર્યો હતો. ત્યારે લાકડી મારવા માટે ઓટલા પર ચડેલાં ઈકબાલનો પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો. અને બેભાન થઈ જતાં તેને હોસ્પિટલ લઈ ગયાં હતાં. જે બાદ કેટલાક ઈસમોએ ભેગા મળી અમારા ઘરની પાછળની દીવાલ તોડવાની કોશિશ કરી હતી તેમજ રાત્રીના પોણા દશ વાગ્યાના અરસામાં સલીમભાઈ ઈસામભાઈ મલેક, ઈકબાલભાઈ ગલુભાઈ મલેક, ટીનાભાઈ બચુભાઈ મલેક, ઈરફાનભાઈ જેણાભાઈ ઉર્ફે ભોલુ મલેક, સલીમભાઈ સિકંદરભાઈ મલેક, યુસુબભાઈ પેંડાલાલ, હુકાભાઈ તાજીવાડા અને અહેમદ દાઢીએ ભેગા મળી ઘર પર પથ્થરમારો કરી બારી-બારણાંને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ઘર આગળ પાર્ક કરેલ વાહનોની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જેના આધારે પોલીસે દશેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહુધા તાલુકાના ખુંટજમાં આવેલ પ્રજાપતિવાસ વિસ્તારમાંથી ટ્રેક્ટર પસાર થવાથી માટીનો ઢગલો તૂટ્યો હતો. જે મુદ્દે આ ફળીયામાં રહેતાં બે પાડોશી પરિવારો વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતાં મારામારીના દ્દશ્યો સર્જાયાં હતાં. પોતાના કાકાને પાડોશી પરિવાર મારતાં હોવાની જાણ થતાં ભત્રીજો કાકાને છોડાવવા માટે ઝઘડામાં વચ્ચે પડ્યો હતો. જેમાં ઉશ્કેરાયેલાં છ જણાંએ ભેગા મળી તેનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે ૬ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના ખુંટજમાં આવેલ પ્રજાપતિવાસ વિસ્તારમાં સીકંદરભાઈ કરીમભાઈ મલેક પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ જલાઉ લાકડાં વેચાતા લીધાં હોઈ ગતરોજ મોડી સાંજના સમયે તેમના ઘરે લાકડાં ભરેલું ટ્રેક્ટર આવ્યું હતું. સીકંદરભાઈના ઘર આગળ રહેતાં રિઝવાનભાઈ સીરાઝભાઈ વ્હોરાના ઘર આગળ કરેલાં માટીના ઢગલા પરથી ટ્રેક્ટર પસાર થઈ સીકંદરભાઈના ઘર સુધી પહોંચ્યું હતું. જેને લઈ માટીનો ઢગલો તૂટી ગયો હોવાથી રીઝવાન વ્હોરા રોષે ભરાયાં હતાં. તેઓએ ગમેતેમ અપશબ્દો બોલી સિકંદરભાઈ સાથે ઝઘડો કરી તેમને માર મારવા લાગ્યાં હતાં. જેથી ફળીયામાં જ રહેતાં સીકંદરભાઈનો ભત્રીજો ઈકબાલભાઈ અલાઉદ્દીન ઉર્ફે જેણાભાઈ મલેક તેના કાકાને છોડાવવા માટે ઝઘડામાં વચ્ચે પડ્યો હતો. રીઝવાન વ્હોરાનું ઉપરાણું લઈ તેમના પિતા સિરાજભાઈ હસનભાઈ વ્હોરા, માતા સલમાબેન સિરાજભાઈ વ્હોરા, તેમજ તેમના કુટુંબીઓ સફાનભાઈ સિકંદરભાઈ વ્હોરા, સાહિલભાઈ સિકંદરભાઈ વ્હોરા અને સોહિલભાઈ નજીરભાઈ વ્હોરા આવી ચડ્યાં હતાં. અને આ તમામ લોકોએ ભેગા મળી સીકંદરભાઈના ભત્રીજા ઈકબાલને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ તેને ટીંગાટોળી કરી ઊંચકીને ઓટલા પરથી જમીન પર ફેંક્યો હતો. જે બાદ રીઝવાનભાઈ અને તેમના પિતા સીરાજભાઈએ જમીન પર પડેલાં ઈકબાલનું ગળું દબાવ્યું હતું. તેમજ અન્ય ચાર જણાંએ ઈકબાલને ઢોર માર માર્યો હતો. આસપાસના રહીશોએ વચ્ચે પડી ઝઘડો શાંત પડાવ્યો હતો. અને બેભાન હાલતમાં જમીન પર પડેલાં ઈકબાલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહુધા સરકારી દવાખાનામાં લઈ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યાં બાદ ઈકબાલભાઈ અલાઉદ્દીન ઉર્ફે જેણાભાઈ મલેક (ઉં.વ ૩૨)ને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવ અંગે સીકંદરભાઈ કરીમભાઈ મલેકની ફરિયાદને આધારે મહુધા પોલીસે રીઝવાનભાઈ સિરાજભાઈ વ્હોરા, સિરાજભાઈ હસનભાઈ વ્હોરા, સલમાબેન સિરાજભાઈ વ્હોરા, સફાનભાઈ સીકંદરભાઈ વ્હોરા, સાહિલભાઈ સીકંદરભાઈ વ્હોરા અને સોહિલભાઈ નજીરભાઈ વ્હોરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.