Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :

વૃત્તિઓ ત્યજવાની રાત્રીઓ એટલે ‘નવરાત્રી’

12/10/2018 00:10 Send-Mail

વર્ષમાં જે તહેવારની સૌથી વધુ રાહ જોવાતી હોય એ તહેવાર અત્યારે ચાલી રહ્યો છે. વિશ્વમાં નવ-નવ દિવસ સુધી એકધારી ઊર્જા ને ઉત્સાહથી ઉજવાતો કોઈ તહેવાર હોય તો તે એકમાત્ર નવરાત્રીનો છે. આમ જૂઓ તો આ તહેવાર શક્તિની આરાધનાનો છે. થાક્યાં વગર ગરબે ઘૂમવા માટે શક્તિની કેટલી જરૂર પડે એ ખેલૈયાનો પૂછી લેજો !!!
નવરાત્રીમાં ઘણાં ભાવિક ભક્તો ઉપવાસ રાખતા હોય છે. નવ-નવ દિવસ સુધી ભૂખ્યા રહી અનુષ્ઠાન કરતા ભક્તજનો મા ભગવતીની આરાધના કરતા હોય છે. બહુ સૂચક રીતે નવરાત્રી પછીના દિવસા વિજયાદશમી આવે છે. નવ-નવ દિવસો સુધી આરાધના કર્યા બાદ આસુરી વૃત્તિઓ પરનો વિજય એટલે વિજયાદશમી ?!!
આપણામાં એવી અનેક નકારાત્મક વૃત્તિઓ ફૂલી-ફાલી હોય છે જેની આપણને ખબર હોવા છતાં તેની સામે આંખ આડા કાન કરતાં હોઈએ છીએ. આપણા દરેકમાં ગુસ્સો એક એવી નકારાત્મક વૃત્તિ છે જે બીજાનું તો પછી પહેલાં આપણું જ સત્યાનાશ વાળી નાખે છે. આપણું ધાર્યું ન થાય, બીજાને દેખાડી દેવાના શક્તિ પ્રદર્શનો, નિષ્ફળતા વગેરેમાંથી ક્રોધ નામનો ભસ્માસૂર જન્મ લેતો હોય છે. આ ભસ્માસૂર જેની માથે હાથ મૂકે એ પહેલો ભસ્મ થઈ જતો હોય છે. મેડિકલ સાયન્સમાં એ પૂરવાર થઈ ચૂક્યું છે કે વધુ પડતો ગુસ્સો કરવાથી હૃદયના ધબકારા ખૂબ વધી જાય અને અને હૃદયનું ઊંચુ દબાણ હાર્ટએટેક પણ લાવી શકે છે. ગુસ્સો એવી નકારાત્મક ઊર્જા છે જે કુટુંબ, સમાજ, દેશ વગેરેનો વિધ્વંસ કરવાની વિનાશક તાકાત ધરાવે છે. કહેવાય છે કે સૌથી પહેલાં યુદ્ઘ હૃદયની શાંત દિવાલો વચ્ચે ખેલાય છે પછી એ યુદ્ઘ મેદાનોમાં લડાતા હોય છે. બધાં બહું શિખામણ આપે કે ગુસ્સો આવે એટલે ઊંડા શ્વાસ લેવા, ૧,૨,૩.... એમ કાઉન્ટ શરૂ કરી દેવા, ઘરની બહાર નીકળી જવું.... વગેરે પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી પણ કામમાં આવતી નથી. ગુસ્સો ચડે ત્યારે સામેવાળાના શ્વાસ બંધ કરી નાખવા સુધી પહોંચી જતા હોઈએ ત્યાં ક્યાં ઊંડા શ્વાસ લેવા જવાના ?!! એવું થઈ શકે કે આ નકારાત્મક વૃત્તિનો ઉપવાસ શરૂ કરીએ અને એનું શું પરિણામ આવે તે જોઈએ ? બીજો ઉપવાસ કરવો હોય તો તે છે નિંદા કરવાની વૃત્તિ કે સ્વભાવનો. આપણા દરેકમાં એક મંથરા વસે છે જેનું રાત-દિવસ કામ છે અન્યની નિંદા કરવાનું, કાન ભંભેરણી કરવાનું. આપણે આપણી જ વૃત્તિઓના ગુલામ છીએ. આપણા કાન આપણને ગમતી વાત સાંભળવા જ ટેવાયેલા છે. સાચુ સાંભળી શક્તા નથી. કોઈનું સારું સંભળાય તો તરત આપણામાં રહેલી મંથરા જાગૃત થઈ જાય છે. જેનું પાનિયું હાથમાં આવ્યું એનું વાટી નાખવામાં જે મજા આવે છે એવી બીજી કોઈ પ્રવૃત્તિમાં નથી આવતી. સદાય આપણે ખાપણી-દસ્તો લઈ કોઈનું વાટવા તૈયાર જ બેઠાં હોઈએ છીએ. બધા રસમાં સૌથી મધુર રસ નિંદારસ અમથો નથી કહેવાયો !! કુથલી કરવાની ખુજલી હોય છે અને તે પાછી મનગમતી હોય છે. પરિણામે નિંદારસનો અતિરેક અનેકના ઘરમાં રામાયાણ-મહાભારત બંને સર્જે છે !! કહેવત અમથી નથી પડી ચાર ભેગા થાય ચોટલા, ભાંગે કોઈના ઓટલા !! પરંતુ આ ઉપવાસ થોડાં ફળાહાર સાથે કરી શકાય તો કરવા જેવો ખરો !!
ત્રીજો ઉપવાસ પણ એટલો જ અઘરો છે અને તે છે ઈર્ષા કે અદેખાઈ ન કરવાનો. જેમ મંથરા આપણામાં વસે છે એમ દુર્યોધન પણ આપણામાં કાયમી વસવાટ કરે છે. થ્રી ઈડિયટ ફિલ્મમાં બહું સરસ સંવાદ હતો કે આપણો દોસ્ત પરીક્ષામાં નાપાસ થાય તો દુ:ખ થાય છે પરંતુ એ જ દોસ્ત જો પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થાય તો બહું જ દુ:ખ થાય છે !! તેરી સાડી મેરી સાડી સે સફેદ કૈસે ?ની વૃત્તિથી આપમે બધાં જ પીડાઈએ છીએ. કોઈની સફળતા જીરવી શક્તા નથી. આપણી ગાડીને કોઈ ઓવરટેક કરે તે આપણાથી ખમાતું નથી. પોતાની જાતને વી.આઈ.પી. તરીકે ઓળખાવાનો નશો તેમને કદી ન પૂરી થઈ શકવાની સ્પર્ધામાં ઉતારી દે છે. બીજાની લીટી ભૂંસીને પોતાની લીટી મોટી કરવા મથ્યા કરતા આવા લોકો ઈર્ષા નામના રાજરોગથી પીડાતા હોય છે. યેનકેન પ્રકારે આગળ વધવા માટે કાવાદાવા કરતાં આવા લોકોને પોતાના જ વખાણ સાંભળવાનો એક કદી ન ઉતરે તેવો નશો હોય છે. પોતાના વખાણ અને સન્માન કરાવવા માટે આવા લોકો ગાંઠનું ગોપીચંદ કરી અનેક પ્રશસ્તિપત્રો અને એવોર્ડ વેંચાતા પણ મેળવે છે. મૂળમાં તો એ જ ઈર્ષા અને અદેખાઈ હોય કે ‘હું’ જ કેન્દ્રમાં હોઉં. ઈર્ષાનો ઉપવાસ કરવો બહું અઘરો છે. ભલભલાને એનો ઉપવાસ કરવો કઠિન લાગે છે. પરંતુ પ્રયત્ન તો કરવો જોઈએ ને ?!!
ચોથો ઉપવાસ શંકાશીલ વૃત્તિને છોડવાનો છે. શેક્સપીયરે ઓથેલોમાં એક અદ્ભૂત પાત્ર રચ્યું ‘ઈયાગો’ શંકાશીલ અને દુષ્ટ મનોવૃત્તિનો પર્યાય બની ગયેલું એ પાત્ર માનવમનના એવા અંધારા ખૂણાને દેખાડે છે જેને ખુદ આપણે જ જાણતા નથી. શંકા ઘર, કુટુંબને તારાજ કરી નાખે છે. હદથી વધારે શંકાશીલ સ્વભાવ હર્યા-ભર્યા ઘરને ખેદાનમેદાન કરી નાખે છે. એટલે જ તો ગવાયું છે કે ‘દોસ્તો, શક દોસ્તી કા દુશ્મન હૈ.’ આજકાલ દરેક અંતરંગ સંબંધોમાં શંકાનું ઝેર જોવા મળે છે. કોઈને કોઈ પર વિશ્વાસ નથી. સાચા દિલથી ચાહનારા ભાગ્યે જ મળે છે. પરંતુ તેમની ચાહને પણ શંકાથી જ જોવામાં આવે છે. આજના યુગમાં વિશ્વાસ એ બહું મોંઘી જણજ બનતો જાય છે. નવરાત્રીમાં શંકા કરવાનું છોડી નિર્ભેળ વિશ્વાસ રાખતા શીખીશું ? મારો દીકરો અને દીકરી ભલે મોડે સુધી બહાર ગરબે રમે મને એમના પર વિશ્વાસ છે ભલે સમાજ ગમે તે વાત કરે આવું જ્યારે થાય ત્યારે સમજવું કે તમે સાચો ઉપવાસ કર્યો છે.
પાંચમો ઉપવાસ લોભવૃત્તિનો છે. પૈસા પાછળની આંધળી દોટ, ભૌતિક સુખની ઘેલછાં તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે. એવા ધનનું શું કામ જે તમને ક્ષણમાત્ર પણ શાંતિ ન આપી શકે. આપણો લોભ જ આપણને અનીતિભર્યું આચરણ કરાવે છે. લોભ છોડવો અઘરો છે પણ ઉપવાસ કરવાં જ બેઠાં છીએ તો કરી નાખવા જેવો છે !!
છઠ્ઠો ઉપવાસ કરવાનો છે આપણી વધુ પડતી અપેક્ષાઓનો. સામેવાળો આપણાથી થાકી જાય તેટલી અપેક્ષાઓ આપણે રાખીએ છીએ. હરીન્દ્ર દવે એટલે જ લખી ગયા કે ક્યારેય કોઈનો સ્નેહ ઓછો હોતો નથી આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. સાતમો ઉપવાસ રાખીએ આપણા અપ્રમાણિક્તાનો. બધું જ શોર્ટકટથી મળતું નથી, મહેનત કરી મળે છે. પ્રામાણિક બનવું કઠિન ખરું પણ અશક્ય તો નથી જ. આઠમો ઉપવાસ કામચોરીનો અને નવો ઉપવાસ રાખીએ આપણી આળસનો. કામચોરી અને આળસ એ ભારતીય લોકોના રાષ્ટ્રીય રોગ બની ગયા છે. દેશનો તો ઠીક ખુદનો ઉદ્ઘાર કરવો હશે તો પણ આળસ છોડી કામચોરી છોડી કર્મ કરવું પડશે. ગીતાની ફિલસૂફી જીવનમાં ઉતારવી જ પડશે. નવરાત્રીમાં આ નવ ઉપવાસ રાખી અનુષ્ઠાન કરીશું તો ઘરે-ઘરે આસુરીવૃત્તિઓ પરના વિજયની વિજયાદશમી જરૂર ઉજવાશે. સૌને નવરાત્રાના નવલી શુભકામનાઓ.
પડઘો ઈશ્વર બધે જઈ શક્યો ના,
સર્જી તને એટલે, મા !
- હર્ષા દવે
ચલતે - ચલતે :
કોઈના જીવનની ‘અંધારી’ રાતોને ‘અજવાળી’ કરવી... એ પણ એક ‘નવરાત્રી’ જ છે !!!
પ્રતિભાવ : jayshridixit@gmail.com