Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :

ગડકરીનો ધડાકો

12/10/2018 00:10 Send-Mail

વડાપ્રધાન મોદીની ટીમમાં જે કદાવર નેતાઓ છે તેમના એક છે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી. તેઓ નખશીખ સંઘ કાર્યકર છે અને વહીવટકાર તરીકેની ક્ષમતા અંગે ક્યારેય કોઇને શંકા નહોતી અને ગડકરીનું સરકારમાં વજન છે એટલે તેઓ જે કોઇ નિવેદન આપે તેના તરફ દરેકનું ધ્યાન જાય તે સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કંઇક વધારે જ બોલી રહ્યા હતાં. તેમના નિવેદનોને નોંધ લેવાય છે. આ કડીમાં તેમણે ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તા કરવામાં આવેલા જાતીય આરોપોનો સામનો કરી રહેલા નાના પાટેકરને આપેલી મુલાકાતમાં એવી વાત કહી નાખી જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોના પગ તળેથી જમીન સરકી જાય. નાનાને આપેલી મુલાકાતમાં તેમને દરેકના બેન્ક ખાતામાં રૂા. ૧૫ લાખ જમા કરાવવામાં આવશે એવા મોદીએ આપેલા વચન અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે, અમને એવો વિશ્વાસ હતો કે અમે સત્તા પર નહીં આવીએ તેથી અમને મોટા વચનો આપવાની સલાહ આપવામાં આવી હતી.
આઘાતજનક છે ગડકરીનો જવાબ. જોકે ગડકરી સાહેબ આટલેથી અટક્યા નહીં અને તેમણે વધુ એક બફાટ કરી નાખ્યો. તેમણે કહ્યું કે, હવે જ્યારે લોકો અમને અમે આપેલા વચનો વિશે પૂછે છે ત્યારે અમે હસીને આગળ વધીએ છીએ.
ગડકરી જેવા પરિપક્વ નેતા આવું વિધાન કરે ત્યારે એમ થાય કે શું તેઓ મજાક કરે છે. જો તેઓ મજાક ન કરતા હોય તો શું હવે ભાજપ દ્વારા કરાતાં દરેક નિવેદનની ખરેખર કિંમત શું? શું ભૂતકાળના-વર્તમાનના અને ભવિષ્યના મોદી અને ભાજપના તમામ વિધાન-વચનની ખરાઇ સામે જ શંકા થાય. હા, ચોક્કસ એવું બની શકે કે રૂા. ૧૫ લાખના વચન માટે જ ગડકરી બોલતા હોય. જો એવું હોય તો સારૂ... પણ ભાજપ અને મોદીએ ચૂંટણી વખતે કરેલાં તમામ વચનોને આ બાબત લાગુ પડતી હોય તો પછી ભારતીયોનો હવે ભગવાન જ માલિક.
ગડકરી એ વાત ન ભૂલી જાય કે ૨૦૧૪માં જનતાએ ભાજપને નહીં પણ મોદીને વોટ આપ્યો હતો. મોદીને નામ ભાજપના પથરાં ચૂંટણીમાં તરી ગયા હતાં. મોદીએ સત્તારૂઢ થયા પછી એકધારૂં જનતાની ભલાઇ માટે કામ કર્યું છે એમાં કોઇ શક નથી. કદાચ એવું હોય કે ચૂંટણી જીતવા માટે એકાદ ઠાલું વચન આપી પણ દીધું હોય, પરંતુ તેનો અર્થ એવો નથી કે બધાં વચનો જ સાવ ખોટાં હોય. આમા તો માત્ર પક્ષ જ નહીં પણ ખુદ મોદી પણ મુશ્કેલીમાં મુકાઇ જાય એમ છે. ગડકરી જેવા પાક્કાં રાજકારણીની લૂલી આટલી હદે લપસી જશે એવી અપેક્ષા કોઇ ન રાખી શકે. સંઘે પણ તેમના સૌથી ચહિતના નેતા ગડકરી પાસે એવી અપેક્ષા નહીં રાખી હોય. તાજેતરમાં ગડકરીએ એમ કહ્યું હતું કે સંઘને પોતે વડાપ્રધાન તરીકે પસંદ નથી. શું ગડકરીને એ વાતનું પેટમાં દુખ્યું નહીં હોય ને? માત્ર વિકાસની વાત કરનાર અને વાતેવાત કોંગ્રેસ સહિતના વિપક્ષોની જ્ઞાતિના આધારે ચૂંટણી લડનાર કહીને ટીકા કરનાર ભાજપના વરિષ્ઠ નેતા ગડકરી આટલેથી અટક્યા નહોતા. તેમણે કહ્યુંકે, અમે કાંઇ વ્યક્તિનું ચરિત્ર કે તેની કાબેલિયત જોઇને ચૂંટણી ટિકિટ નથી આપતા. અમે તો એની જ્ઞાતિ જોઇને એને ભાજપની ચૂંટણી ટિકિટ આપીએ છીએ.
દરેક રાજકીય પક્ષ ચૂંટણી ટિકિટ આપવા માટે આ જ માપદંડ રાખે છે એ સર્વવિદિત છે પણ કોઇ એ વિશે જાહેરમાં બોલતું નથી. ખાસ કરીને ભાજપ જેવા પણ જેણે હટકે રાજકારણ કરવાના મુદ્દા પર જ ચૂંટણી લડી અને જીતી એનો વરિષ્ઠ નેતા જ વટાણા વેરી નાખતો હોય તો પછી પૂછવાનું જ શું? ગડકરીના બફાટને લીધે ભાજપ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયો છે અને કોંગ્રેસને ફરી એક વાર ભાજપ પર હુમલો કરવાની તક મળી ગઇ છે. ઠીક છે ભાજપ અને કોંગ્રેસનું કામ છે એકમેકની સામે રાજકારણ રમવાનું અને તેઓ ભલે એ કર્યા કરે. પ્રશ્ન છે કે ભાજપના વરિષ્ઠ નેતા આવું બોલે ત્યારે કોની વિશ્વસનીયતા દાવ પર લાગ. ગડકરીની કે ભાજપની?
ભાજપ માટે હાલ કપરો સમય ચાલી રહ્યો છે. એક તરફ રાફેલ સોદાને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાજપ પાછળ આદુ ખાઇને પડી ગયા છે તો બીજી તરફ વિદેશ રાજ્ય મંત્રી એમ.જે.અકબર પર બે પત્રકાર યુવતીઓએ જાતીય સતામણીનો આરોપ મૂકી ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું. હવે ગડકરીએ વટાણા વેરીને ભાજપ માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. ગડકરીના નિવેદન બાદ ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. ગડકરીએ પણ આવું કંઇ કહ્યું હોવાની વાતને નકારી કાઢી છે. પરંતુ આનાથી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને તો બગાસુ ખાતા પતાસુ મળી ગયું છે. ટૂંક સમયમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થવાની છે તો આવતા વર્ષે લોકસભા ચૂંટણી પણ છે. આવા સમયે કોંગ્રેસ અને સાથી પક્ષો પ્રજા વચ્ચે જઇને એવો પ્રચાર કરશે કે ભાજપન નેતાઓની વાત પર ભરોસો ના મૂકતા. તેઓ માત્ર મત મેળવવા ખાતર જ ઠાલા વચનો આપે છે અને ખુદ તેમના પક્ષના નેતાએ જ આ વાત સાબિત કરી દીધી છે.
ગડકરીનું આ નિવેદન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ સહિતના પાંચ રાજ્યોમાં ભાજપને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીઓનો લોકસભા ચૂંટણી અગાઉની સેમી ફાઇનલ માનવામાં આવે છે.